ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન
પ્રવૃત્તિઓ નાબૂદ કરવા પોલીસે કમર કસી છે. કોડીનાર પોલીસે વહેલી સવારે પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બાયપાસ રોડ પર વોચ ગોઠવીને વિદેશી દારૂના ત્રણ અલગ-અલગ કેસ શોધી કાઢ્યા છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧૬ બોટલો સાથે ઉના પંથકના ૩ બુટલેગરોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ૧૯ વર્ષીય વિનિત મનુભાઇ સોલંકી, ૨૭ વર્ષીય હર્ષ મનીષભાઇ વાઢેર અને ૨૧ વર્ષીય ધર્મેશ માનસીંગભાઇ પામકનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ‘રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હીસ્કી’ની ૧૮૦ એમ.એલ.ની કુલ રૂ.૪૧,૦૪૦/- ની કિંમતની બોટલોનો મુદ્દામાલ કબજે કર્યો છે. જૂનાગઢ રેન્જ આઇ.જી. અને ગીર સોમનાથ એસ.પી.ની સૂચનાથી કોડીનાર પી.આઇ. એન.વી. હરિયાણી અને સર્વેલન્સ સ્ટાફે આ સફળ કામગીરી કરીને આરોપીઓ વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.