છોટા કાશી ગણાતા જામનગર શહેરમાંથી વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી અને નબળા આયોજનનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર-૨ વિસ્તારમાં કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચે તૈયાર કરાયેલા એક હાઈ-પ્રોફાઈલ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ (સૌંદર્યીકરણ) ને લઈને મોટો વિવાદ છેડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે હજુ સુધી આ કરોડોના પ્રોજેક્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કે લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ મનપા દ્વારા ફરીથી જેસીબી ઉતારીને તોડફોડ અને ખોદકામ શરૂ કરી દેવાતા પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
નવા બનેલા આ પ્રોજેક્ટના લોકેશન પર અચાનક જેસીબી મશીનો ધણધણવા લાગતા આસપાસના રસ્તાઓ ફરીથી બિસ્માર બન્યા છે, જેને પગલે સ્થાનિક નાગરિકોમાં મનપા તંત્ર વિરુદ્ધ ભારે રોષ જાવા મળી રહ્યો છે. પ્રજા હવે એવો વેધક સવાલ પૂછી રહી છે કે જા આ રસ્તા અને પ્રોજેક્ટની નીચે ભૂગર્ભ ગટર લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, ગેસ લાઈન કે વીજળીના કેબલ ફિટ કરવાના બાકી જ હતા, તો કરોડો રૂપિયા વાપરીને ઉપર બ્યુટિફિકેશનનું કામ પૂરું કેમ કરી દેવાયું? કામ શરૂ કરતાં પહેલાં એન્જીનિયરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પ્રોપર સર્વેક્ષણ કે નકશાનું આયોજન કેમ કરવામાં આવ્યું નહીં?
આ ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવતા વોર્ડ નંબર-૨ના સામાજિક આગેવાન હનીફ હસન મલેકે જામનગર મહાનગરપાલિકાના વહીવટ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે જામનગરમાં કોઈપણ પ્રકારના પ્લાનિંગ વગર ઉતાવળે કામો હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ પોતાની જ ભૂલો છુપાવવા અથવા નવા બિલ બનાવવા માટે લોકાર્પણ પહેલાં જ નવું કામ તોડવાની નોબત આવે છે. આ સીધેસીધો જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો બેફામ બગાડ છે. શું આ માત્ર વહીવટી લાપરવાહી છે કે પછી તેની પાછળ કોઈ મોટો ભ્રષ્ટાચાર છુપાયેલો છે? તેની તપાસ થવી જરૂરી છે.
કરોડોનું કામ અને ફરીથી ખોદકામની આ અણઘડ નીતિને કારણે જામનગરના વોર્ડ નંબર-૨ ની સ્થિતિ અત્યારે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો હવે એકસૂરે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. જનતાનું કહેવું છે કે સરકારી નાણાંનો આવો દુર્વ્યય કરનારા જવાબદાર અધિકારીઓ અને સુપરવાઈઝરો સામે કડક કાયદેસરના પગલાં ભરી તેમની પાસેથી જ આ નુકસાની વસૂલવામાં આવે.