અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી સહજાનંદ ટ્રસ્ટ સંચાલિત એસએસ ડિવાઇન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્કૂલના સંચાલકોએ નિર્માણ એકસીલેન્સ એડ્યુકેટર્સ એલએલપીના સંચાલક આશિષ દેસાઈ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે.
મળતી માહિતી મુજબ, અગાઉ સહજાનંદ ટ્રસ્ટે કરાર આધારે સ્કૂલનો વહીવટ આશિષ દેસાઈ અને તેમની સંસ્થા નિર્માણ એકસીલેન્સ એડ્યુકેટર્સ એલએલપીને સોંપ્યો હતો. જાકે બાદમાં શાળામાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા હોવાની બાબત સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી ટ્રસ્ટને નોટિસ મળી હતી. ત્યારબાદ ટ્રસ્ટે સ્કૂલનો વહીવટ પરત લઈ લીધો હતો.
ટ્રસ્ટનો આરોપ છે કે આશિષ દેસાઈ અને તેમની સંસ્થાએ ટ્રસ્ટને ગેરમાર્ગે દોરી છેતરપિંડી આચરી છે. વધુમાં, વહીવટ પરત લેવામાં આવ્યા બાદ આશિષ દેસાઈએ ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (એલસી) સહિત શાળાના મહત્વપૂર્ણ દસ્તાવેજા અને રેકોર્ડ પોતાની સાથે લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સહજાનંદ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પાછળના દરવાજેથી શાળામાં પ્રવેશ કરીને કોમ્પ્યુટર, મહત્વના દસ્તાવેજા અને વિદ્યાર્થીઓના એલસી સહિતનો રેકોર્ડ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
આ ઘટનાના કારણે અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના એલસી અને અન્ય શૈક્ષણિક દસ્તાવેજા ઉપલબ્ધ ન હોવાથી તેમની આગળની પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કામગીરી પર અસર પડી રહી છે. હાલ પોલીસ અરજીના આધારે મામલાની પ્રાથમિક તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી સ્પષ્ટ થઈ શકશે.











































