મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગતરાતે પૂરઝડપે આવી રહેલી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
હળવદ તાલુકાના રણછોડગઢ ગામના યુવક પરેશનું માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી તેને ઈજા પહોંચી હતી. જેને પગલે પરેશના પિતા દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢેયા (ઉ.૫૯) સહિત તેના ગામના લોકો કારમાં સવાર થઈને તેને સારવાર માટે હોસ્પીટલે લઈ જઈ રહ્યા હતા.
આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી અને તેના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
આ અકસ્માતમાં કારમાં સવાર કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણના ઘટનાસ્થળે જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં બાઈક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પરેશ દિલીપભાઈ દઢેયા (ઉ.૨૪) ઉપરાંત આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજી દઢેયા (ઉ.૫૯), સુરેશ વિશાભાઈ સિહોરા (ઉ.૪૭), વિરમ ભીમાભાઇ દઢેયા (ઉ.૨૮) અને ભરત પ્રભુભાઈ દઢેયા (ઉ.૩૯) નો સમાવેશ થાય છે. જ્યારે પરેશના પિતા દિલીપભાઈ ઉપરાંત પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉ.૨૫) ઇજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ મોરબી તથા રાજકોટની હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ અંદર ફસાઈ ગયા હોવાથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પીટલે લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં એક જ ગામના પાંચ લોકોના મોત થતાં સમગ્ર રણછોડગઢ ગામમાં શોકનો માહોલ છવાયો છે અને તમામ મૃતકોની એકસાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જાડાયા હતા.








































