શહેરના રિંગ રોડ પર ગત મોડી રાત્રે એક ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બેકાબૂ બનેલી કાર સીધી ટ્રકના પાછળના ભાગમાં જઈને ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, રોડ પર લોહીની નદીઓ વહેવા લાગી હતી અને બાઈકમાં સવાર કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે કારમાં સવાર બે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભાવનગરના રિંગ રોડ પરથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અચાનક જ બાઇકને જારદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ઠોકર વાગતા જ બાઇક રસ્તા પર અંદાજે ૧૦૦ મીટર જેટલું દૂર સુધી ફંગોળાઈ ગયું હતું. બાઇકને અડફેટે લીધા બાદ કારચાલક પોતાના વાહન પર કાબૂ મેળવી શકયો ન હતો અને બેકાબૂ બનેલી કાર આગળ જઈ રહેલા એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ કાળઝાળ ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર કાકા-ભત્રીજા, રાકેશભાઈ મનસુખભાઈ બારૈયા અને બેચરભાઈ ખાટાભાઇ બારૈયાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોતથી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા. જા કે, બંને ઘાયલોની સ્થીતિ વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.








































