ખાંભા તાલુકાના તાતણીયા ગામે રહેતી ૩૯ વર્ષીય પરિણીતાને ફોટા વાયરલ કરવાની તથા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, તાતણીયા ગામે મજૂરી કામ કરતી મહિલાનો પરિચય ત્રણેક વર્ષ પહેલાં રાજુલા તાલુકાના વાવેરા ગામના વિક્રમભાઈ વીહાભાઈ સાંખટ સાથે થયો હતો. ગત તા. ૧૮/૦૨/૨૦૨૪ ના રોજ સમૂહલગ્નમાં જવાનું કહી આરોપીએ પરિણીતાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં વહેલી સવારે શારીરિક અડપલાં કરી ફોટા પાડી લીધા હતા અને તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.ત્યારબાદ આશરે એક વર્ષ પહેલાં રાત્રિના સમયે આરોપીએ પરિણીતાના પિયર તાતણીયા ખાતે આવી ‘બહાર પોલીસ ઉભી છે અને રેડ પાડવા આવ્યા છીએ’ તેવો ડર બતાવી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. આરોપીએ પરિણીતાનું મોઢું દબાવી, તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ ફોન પર ‘દવા પીને મરી જઈશ’ તેવી ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી પરિણીતાએ વાતચીત બંધ કરતા આરોપીએ સમાજમાં તથા પરિણીતાના નાના ભાઈ ખોડુભાઈને ફોન કરી ચારિત્ર્ય અંગે ખોટી વાતો કરી બદનામી કરતા અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે



































