મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક નરાધમે યુવતી અને તેની સગીર વયની બહેનને પોતાની હવસનો શિકાર બનાવી છેલ્લા ત્રણ વર્ષથી બ્લેકમેલ કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાલુસણા ગામના નવીન ચૌધરી નામના શખ્સે બન્ને બહેનોના અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ક્રૂર ધમકી આપીને તે બન્ને પીડિત બહેનોનું સતત શારીરિક શોષણ કરતો રહ્યો હતો.
પોલીસ ફરિયાદમાં સામે આવેલા અહેવાલો અનુસાર, આરોપી નવીન ચૌધરી વર્ષ ૨૦૨૩ (૨૦૨૩) થી લઈને તારીખ ૩ જૂન ૨૦૨૬ સુધી સતત બન્ને બહેનોને ધમકાવીને પોતાની કારમાં અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. બદનામીના ડરથી પીડિત બહેનો અત્યાર સુધી આ નરક જેવી યાતના મૂંગા મોઢે સહન કરી રહી હતી. આરોપીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે પોતાની ધમકીને અંજામ આપવાનું શરૂ કરી દીધું અને બન્ને બહેનોના બિભત્સ ફોટા સોશિયલ મીડિયા પર મોકલી દીધા હતા.
હવસખોર આરોપીએ પીડિત બહેનોના અત્યંત આપત્તિજનક અને બિભત્સ ફોટા વોટ્‌સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધા હતા. આ ઘટનાને પગલે પીડિત પરિવાર અને સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પોતાની આબરૂના ધજાગરા ઉડતા જાઈ આખરે પીડિત યુવતી અને તેના પરિવારે હિંમત ભેગી કરી નરાધમ આરોપી વિરૂદ્ધ કાયદાકીય લડત લડવાનો નિર્ણય કર્યો અને સ્થાનિક પોલીસ મથકમાં નરાધમ નવીન ચૌધરી વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.
આ અત્યંત સંવેદનશીલ અને ગંભીર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વિસનગર પોલીસે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નરાધમ આરોપી નવીન ચૌધરી સામે ભારતીય ન્યાય સંહિતા , ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને સગીરા પર અત્યાચાર મામલે પોક્સોની કડક કલમો હેઠળ ગુનો નોંધી દીધો છે. પોલીસે પીડિત બહેનોની તબીબી તપાસ કરાવવાની સાથે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ ખૂબ જ તેજ કરી દીધી છે.