જ્યારે ભારતીય ટીમે આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ટ્રોફી જીતી હતી, ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે સૂર્યકુમાર યાદવને આગામી શ્રેણીના કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવશે અને ટીમ ઈન્ડીયામાંથી પણ કાઢી મૂકવામાં આવશે.બીસીસીઆઇએ શ્રેયસ ઐયરને ફોર્મેટના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરીને ચોક્કસપણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, જેમણે લગભગ ત્રણ વર્ષથી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. સૂર્યકુમાર યાદવ, જેમનો કેપ્ટન તરીકે પ્રભાવશાળી રેકોર્ડ છે, તેમણે હવે સોશિયલ મીડિયા પર બીસીસીઆઇના નિર્ણય પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે, તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે.
સૂર્યકુમાર યાદવે ૨૦૨૪ ટી ૨૦ વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યાં તેમના નેતૃત્વ હેઠળ, ટીમ ઇન્ડીયા એક પણ દ્વિપક્ષીય શ્રેણીમાં અજેય રહી હતી. વધુમાં, ભારતીય ટીમે એશિયા કપ અને ૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. જાકે, તાજેતરના વર્ષોમાં સૂર્યાનું બેટ સાથેનું ફોર્મ ખરાબ રહ્યું છે, જેના કારણે ટીમમાં તેમનું સ્થાન સતત તપાસ હેઠળ છે. તે ૨૦૨૬ આઇપીએલમાં પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. આવી સ્થિતિમાં, ખરાબ ફોર્મને ટીમમાંથી બાકાત રાખવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ભારતીય ટીમમાંથી બહાર થયા પછી, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેણે ટીમના ફોટા સાથે એક ટૂંકું કેપ્શન આપ્યું અને લખ્યું, “આ પ્રતિભાશાળી જૂથને આવનારા પડકારો માટે શુભકામનાઓ.” સૂર્યાએ આ પોસ્ટ સાથે ભારતીય ધ્વજ ઇમોજી પણ ઉમેર્યું.
ટીમ ઇન્ડીયાના નવા ટી ૨૦ કેપ્ટન, શ્રેયસ ઐયર, પડકારોનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં આ જવાબદારી નિભાવી નથી. ઐયરે આઇપીએલમાં ત્રણ ફ્રેન્ચાઇઝી ટીમોની કેપ્ટનશીપ કરી છે, જેમાં ૧૦૦ થી વધુ મેચનો અનુભવ છે. શ્રેયસ ઐયર આયર્લેન્ડ પ્રવાસ સાથે પોતાની કેપ્ટનશીપની શરૂઆત કરશે, પરંતુ તેની ખરી કસોટી ૧ જુલાઈથી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણીથી શરૂ થશે.













































