બગસરા નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં નાલા તેમજ ગટર સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ જનહિતના કાર્યો વચ્ચે જ શાસક પક્ષ ભાજપનો આંતરિક વિખવાદ જાહેરમાં આવ્યો છે. વોર્ડ નંબર ૨ અને ૩ ના વિસ્તારોમાં ચાલી રહેલી નાલા સફાઈ દરમિયાન, કામગીરી કઈ રીતે કરવી તે બાબતે ભાજપના જ ત્રણ મહિલા સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. એક જ પક્ષના લોકપ્રતિનિધિઓ વચ્ચેનો આ વિવાદ એટલો વધી ગયો હતો કે આખરે સેનેટરી અધિકારીએ સ્થળ પર આવીને મામલો થાળે પાડવો પડ્‌યો હતો. વિકાસ કાર્યો વચ્ચે પક્ષના જ સભ્યોનો આ આંતરિક ઝઘડો નગરપાલિકાના હોદ્દેદારો અને પક્ષના સંગઠન માટે ભારે ક્ષોભજનક સ્થિતિ ઊભી કરનારો સાબિત થયો છે. સ્થાનિક રહીશોમાં પણ રોષ છે કે જો પ્રતિનિધિઓ અંદરોઅંદર જ લડશે, તો ચોમાસા પહેલાં સફાઈ સમયસર કેવી રીતે થશે. આ સમગ્ર ગંભીર મામલો હવે પક્ષના મોવડી મંડળ સુધી પહોંચે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.