સમગ્ર દેશમાં જૂન મહિના દરમિયાન આયોજિત ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ ગત રોજ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે ખેડૂત સભાને સંબોધિત કરી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કોડીનાર) અને ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ અને જૂનાગઢ
કૃષિ યુનિવર્સિટી સહિત વિવિધ સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા, લીલા પડવાશનો ઉપયોગ કરવા તેમજ પરંપરાગત યુરિયા-ડીએપીના સ્થાને નેનો યુરિયા અને નેનો ડીએપી જેવા ન્યૂ-એજ ફર્ટિલાઇઝર્સ વાપરવા પર ભાર મૂક્યો હતો. આ સભામાં ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ, પીએમ કિસાન યોજના અને ફાર્મર આઈડી જેવી યોજનાઓથી માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે મુકાયેલા અમૃત આહાર કેન્દ્રના સ્ટોલ અને જીવામૃતના લાઈવ ડેમોએ ઉપસ્થિત વિશાળ ખેડૂત સમુદાયમાં આકર્ષણ જમાવ્યું હતું.