શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત ૧૬૨મા ‘વિચારોનું વાવેતર’ કાર્યક્રમમાં આરોગ્ય અને હોમિયોપેથી વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે માનવ શરીર એક અદ્ભુત કેમિકલ ફેક્ટરી છે, જેના પર આપણા વિચારો અને લાગણીઓની સીધી અસર થાય છે. તેમણે સારવાર પધ્ધતિઓનો તફાવત સમજાવતા કહ્યું કે એલોપેથી લક્ષણોની, આયુર્વેદ મૂળ કારણની અને હોમ્યોપેથી દર્દીની મનોસ્થિતિ તેમજ વૈચારિક કારણોની સારવાર કરે છે. આધુનિક શાસ્ત્રો અનુસાર આપણા શરીરમાં અન્નમય, મનમય, પ્રાણામય, બુધ્ધિમય અને આનંદમય જેવા પાંચ કોષો રહેલા છે. કાનજીભાઈએ તંદુરસ્ત રહેવા માટે ઊંઘ, પાણી, સંતુલિત ખોરાક, શ્વાસનું નિયમન અને હકારાત્મક વિચારો જેવા પાંચ પગલાંનો અમલ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.અમરેલીના જાણીતા હોમ્યોપેથીક તબીબ ડા. જીતેન્દ્ર ટી. પટેલે જણાવ્યું કે હોમ્યોપેથી માત્ર શરીરની નહીં પણ સમગ્ર માણસની સારવાર કરીને કાયમી પરિણામ આપે છે. તેમણે જર્મનીના ડા. સેમ્યુઅલ હેનિમેન અને તેમના પુસ્તકનો સંદર્ભ આપીને જણાવ્યું કે રોગ કરતાં રોગીને સમજવો વધુ જરૂરી છે. આ કાર્યક્રમ દરમિયાન એક ગૌરવપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી કે છેલ્લા ૧૬૧ ગુરૂવારથી નિયમિત ચાલતા આ ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમને લંડનની ‘ધી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડઝ’માં સ્થાન મળ્યું છે, જેનું પ્રમાણપત્ર સંસ્થાના હોદ્દેદારો અને ટીમ પરિવારને એનાયત કરવામાં આવ્યું હતું.








































