ધારીના ખીસરી ગામે પતિએ પત્નીને કુહાડીના પાછળના બુઠ્ઠા ભાગનો ઊંધો ઘા ઝીંક્યો હતો. પુત્રને સાથે લઈ જવા બાબતે દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.હીનાબેન બાલાભાઈ પાટડીયા (ઉં.વ. ૩૫)એ તેમના પતિ બાલાભાઈ કાળુભાઈ પાટડીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિએ તેમને કહ્યું હતું કે, ‘હું આપણા દીકરા નયનને મારી સાથે લઈ જાઉં છું.’ જેથી હીનાબેને તેને સાથે લઈ જવાની ના પાડતાં આરોપી પતિને ખોટું લાગ્યું હતું અને તે ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ ગમે તેમ ગાળો આપી પત્નીને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આ ઉપરાંત લાકડી વડે તેમના વાંસાના તેમજ પગના ભાગે ફટકા માર્યા હતા. તેમજ બાજુમાં પડેલી કુહાડી ઊંધી કરી તેનો ઘા મારતાં હીનાબેનના હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું અને પતિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એચ. વાઘ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.