હજારો દીવડાઓથી ઝળહળ્યું મંદિર પરિસર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં ૧૭ ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિરામય આરોગ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસનાં અનેક કાર્યો સાકાર થયા છે. તેમણે વિકસિત ભારત-૨૦૪૭ના લક્ષ્ય તરફ દેશ આગળ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કામનાથ મહાદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને આકર્ષક રંગોળીઓથી સુશોભન કરવામાં આવ્યું હતું. ઋષિગણોના મંત્રોચ્ચાર વચ્ચે શંખનાદ, ઢોલ-નગારાં અને ઝાલરના નાદ સાથે ભગવાન કામનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી.સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ શિવ તાંડવ અને શિવ વંદનાની ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, અતુલભાઈ કાનાણી, પી.પી.સોજીત્રા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, સુપર ન્યુમરરરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, શહેરના આગેવાનો, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

































