અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા વોર્ડની કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણીના કારણે ઝાડા-ઊલટીના કેસો સામે આવતા જ ભારે ચકચાર મચી ગઈ છે. ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા આ વિસ્તારની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. તેમણે આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એએમસી મેયર સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવ્યો છે. ગૃહમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કડક સૂચનાઓ આપી છે.
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં તાજેતરમાં પાઇપલાઇન રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. આ રિપેરિંગ દરમિયાન ડ્રેનેજનું પ્રદુષિત પાણી પીવાના શુદ્ધ પાણીની લાઈન સાથે ભળી ગયું હતું. આ દૂષિત પાણી પીવાના કારણે સોસાયટીના રહીશોમાં એકાએક ઝાડા-ઊલટી અને ગેસ્ટ્રોના કેસ સામે આવવાના શરૂ થયા હતા. આ ગંભીર બેદરકારી ગૃહમંત્રી અમિત શાહના ધ્યાને આવતા જ તેમણે રોગચાળાને વકરતો અટકાવવા, સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને પ્રભાવિત નાગરિકોને તાકીદે મેડિકલ સારવાર આપવા સમગ્ર વહીવટી તંત્રને કામે લગાડ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કડક તાકીદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું છે. રોગચાળાને નાથવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાનું શરૂ કરાયું છે. હાલમાં આરોગ્ય વિભાગની ૪૦ જેટલી વિશેષ હેલ્થ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમો ઝાડા-ઊલટીના કેસ ધરાવતી તમામ સોસાયટીઓમાં જઈને ‘હાઉસ ટુ હાઉસ’ (ઘર-ઘર) સર્વેક્ષણ કરી રહી છે. આ સાથે જ પાણીને જંતુમુક્ત કરવા માટે સ્થાનિક રહીશોને ક્લોરીનની ગોળીઓનું પણ વ્યાપક પ્રમાણમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રોગચાળાને જડમૂળથી નાબૂદ કરવા માટે એએમસીના એન્જીનિયરિંગ વિભાગે પણ મોરચો સંભાળ્યો છે. ટેકનીકલ સુપરવાઈઝરો, આસિસ્ટન્ટ એન્જીનિયરો અને આસિસ્ટન્ટ સિટી એન્જીયરો દ્વારા જુદી જુદી સોસાયટીઓમાં જઈને પીવાના પાણીની તમામ અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સ્થિતિ ચકાસવામાં આવી રહી છે. જે સોસાયટીઓમાં જરૂર જણાય, ત્યાં એએમસી દ્વારા સોસાયટીઓની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ મફતમાં સફાઈ કરી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જ્યાં સુધી પાણીની લાઈન સદંતર ચોખ્ખી ન થાય, ત્યાં સુધી નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોર્પોરેશન તરફથી ટેન્કર મારફતે શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.