ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધોકડવા પેટ્રોલ પંપ પરથી નોકરી પૂરી કરીને બાઇક દ્વારા જસાધાર પોતાના ઘરે પરત ફરી રહેલા બે આશાસ્પદ યુવાન મિત્રોના આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે. જસાધાર ગામના રહેવાસી મયુરભાઈ મેર અને સિરાજભાઈ મુસાભાઈ ધોકડવા ગામે પેટ્રોલ પંપ પર સાથે નોકરી કરતા હતા. રોજિંદા ક્રમ મુજબ ગત રાત્રે પોતાની ફરજ પૂરી કરીને બંને મિત્રો બાઇક પર સવાર થઈને પોતાના ગામ જવા નીકળ્યા હતા.તેઓ જ્યારે નગડિયા ગામની સીમ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક અજાણી કારે તેમના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ પ્રચંડ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મયુરભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સિરાજભાઈને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડ્‌યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે ફરાર કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.