લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના સાઇટ ફર્સ્ટ પ્રોજેક્ટ અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) અને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, લીલીયા મોટાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી ૩૨મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. ઉમિયાધામ લીલીયા મોટા ખાતે આયોજિત આ કેમ્પનું દીપ પ્રાગટ્ય મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ મનસુખભાઇ ગાંગડીયા અને ક્લબના પ્રમુખ ઋજુલભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અંધત્વ નિવારણની આ કામગીરીને બિરદાવી હતી. જેમાંથી ૧૭ જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય, અમરેલી ખાતે વિનામૂલ્યે ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવ્યા હતા. આ સાથે તમામ દર્દીઓના બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની તપાસ કરવામાં આવી હતી, જ્યારે ૧૭ વ્યક્તિઓને રાહત ભાવે ચશ્માનું વિતરણ કરાયું હતું. નેત્ર જાળવણી અંગે જાગૃતિ લાવવા માટે ૨,૦૦૦ પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. ઉમિયાધામ લીલીયા ખાતે દર મહિનાના પહેલા ગુરૂવારે આવી વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા બાબુભાઇ ધામત, મનસુખભાઈ ગાંગડીયા, બટુકભાઈ સોળીયા, પ્રવિણભાઈ શેખલીયા અને લાયન્સ ક્લબના સેક્રેટરી પરેશભાઈ કાનપરીયા સહિતના આગેવાનો અને તબીબી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.