ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જંગલની હદને અડીને આવેલા રામજીભાઈ મેવાડાના ખેતરમાં પાણીની શોધમાં ભટકતા બે હરણ અકસ્માતે ૪૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. હરણોને કૂવામાં પડેલા જોઈને સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયા પોતાની ટીમ સાથે તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમ, સ્થાનિક વનમિત્ર ભરતભાઈ અને ગામના સાહસિક યુવાનોએ સાથે મળીને કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી. યુવાનોએ જીવના જોખમે દોરડા વડે કૂવામાં ઉતરીને બંને હરણને અત્યંત સાવચેતીપૂર્વક સુરક્ષિત બહાર કાઢ્યા હતા.