ભાજપમાં પ્રાંતિજનો ભડકો શાંત પડ્યો નથી, હિંમતનગરનો વિવાદ ચાલે છે અને હવે દાહોદમાં ભડકો થયો છે. છઁસ્ઝ્રની ચૂંટણીમાં દાહોદ ભાજપમાં થયેલા ભડકાનું મુખ્ય કારણ પક્ષના મેન્ડેટની સામે ભાજપના જ સભ્યોએ બળવો કર્યો છે. અત્યાર સુધી પક્ષના મેન્ડેટ સામે ભાજપના સભ્યોએ ક્યારેય બળવો કર્યો નથી, આ પહેલી જ વખત પક્ષના સભ્યોનો પક્ષના જ મેન્ડેટ સામે બળવો કરવામાં આવ્યો છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે મેન્ડેટ માટેની સેન્સ લેવાની પ્રક્રિયામાં પક્ષે ક્યાંક કાચુ કાપ્યું છે.
પક્ષના સભ્યોએ મેન્ડેટમાં જાહેર કરેલ નામ સામે નારાજગી દર્શાવી છે. તેઓની નારાજગી એટલી હદ સુધીની છે કે તેઓએ બહુમતી હોવા છતાં પણ વોકઆઉટ કર્યા છે. ચર્ચાના બહાને ડિરેક્ટરો સભાખંડની બહાર નીકળી ગયા છે. પક્ષના જ આંતરિક ડખાના પગલે ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે અટકાવી છે. ભાજપના મેન્ડેટ સામે જ વિરોધને લઈને રાજકીય ગરમાવો જાવા મળી રહ્યો છે. પક્ષના સભ્યોના બહિષ્કારના કારણે એપીએમસીના ચેરમેનની ચૂંટણી પાછી ઠેલાઈ હતી.
આ બતાવે છે કે પક્ષની સેન્સ લેવાની પ્રક્રિયા પહેલા જેટલી ધારદાર રહી નથી. આ જે સભ્યોએ બળવો કર્યો તે એપીએમસીના ડિરેક્ટરો છે, ફક્ત સામાન્ય કાર્યકર નથી. આમ અહીં તેઓની મરજીની ક્યાંકને ક્યાંક અવગણના કરવામાં આવી છે. આજે ગણ્યાગાંઠ્યા લોકો પણ રોકાયા નહીં અને બધા બહાર આવી ગયા. પક્ષના એપીએમસીના ડિરેક્ટરોનો આ રીતે વિરોધ હોય તો સમજી શકાય છે કે પક્ષની સેનસ લેવાની પ્રક્રિયામાં કેટલી હદે કાચુ કપાયું છે.
આજે આ વિરોધ એટલો વધી ગયો છે કે ચૂંટણી સુદ્ધા મોકૂફ રાખવી પડી છે. પંચમહાલના જિલ્લા રજિસ્ટ્રાર દિનેશ ખેરે જણાવ્યું હતું કે ચૂંટણી માટે પૂરતા પ્રમાણમાં સભાસદોની સંખ્યા ન હોવાના કારણે દાહોદ એપીએમસીની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. સ્વાભાવિક રીતે ચૂંટણી મોકૂફ રાખવામાં આવતા એપીએમસીના સભ્યોની નારાજગી પક્ષની ટોચની નેતાગીરી સુધી પહોંચી ગઈ છે.