ભારે વરસાદ માટે તૈયાર રહો, કારણ કે ગુરુવારે ચોમાસુ સત્તાવાર રીતે કેરળમાં પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસાનું આગમન તેની સામાન્ય આગમન તારીખ કરતાં થોડા દિવસો મોડું છે. હવામાન વિભાગે કેરળના અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્્યતા છે.
કેરળમાં લેન્ડફોલ કર્યા પછી, ચોમાસુ સામાન્ય રીતે તબક્કાવાર ઉત્તર તરફ આગળ વધે છે, જે જુલાઈના મધ્ય સુધીમાં દેશના મોટાભાગના ભાગને આવરી લે છે. અગાઉ, હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસાને અરબી સમુદ્ર, બંગાળની ખાડી, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં આગામી બે થી ચાર દિવસમાં વરસાદ પડશે, જેનાથી ગરમીથી રાહત મળશે.
હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં કેરળના અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી છે.
હવામાનશાસ્ત્રીઓએ ચોમાસાના વિલંબ માટે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ઉભરતા વાવાઝોડાને જવાબદાર ગણાવ્યા છે, જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ આવ્યો હતો, તેમજ લક્ષદ્વીપ પ્રદેશ નજીક ચક્રવાતી પરિભ્રમણ થયું હતું. આ પરિબળોએ ચોમાસાની પ્રગતિ ધીમી કરી દીધી હોવાનું અને કેરળમાં તેના વહેલા આગમનને નબળું પાડ્યું હોવાનું માનવામાં આવે છે.
ભારતમાં, અલ નીનો નબળા ચોમાસા અને તીવ્ર ગરમી સાથે સંકળાયેલ છે. વર્તમાન અલ નીનો મધ્યમ રહેશે અને તે વધુ મજબૂત પણ થઈ શકે છે, અપડેટમાં જણાવાયું છે. ભારતમાં, જે પહેલાથી જ નબળા ચોમાસાનો અનુભવ કરી રહ્યું છે, ત્યાં આ શક્યતા ચિંતાનું કારણ છે. એજન્સીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા નવેમ્બર સુધી અલ નીનોની સ્થીતી ચાલુ રહેવાની ૯૦% કે તેથી વધુ શક્યતા છે.








































