ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત ચાલતા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોએ સ્થાનિક વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક કથિત ઓડિયો ક્લિપમાં વિસ્તરણ અધિકારી અને વચેટિયા વચ્ચે ગરીબ લાભાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવવાની ચર્ચા સંભળાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
માહિતી અનુસાર, આવાસ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સરકાર તરફથી હપ્તાની રકમ જમા થતાં જ વચેટિયાઓ મારફતે નાણાં વસૂલવાની ગોઠવણ કરવામાં આવી હોવાનો આરોપ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં આશરે ૮૦ જેટલા લાભાર્થીઓનું લિસ્ટ સોંપીને દરેક પાસેથી નક્કી કરેલી રકમ ઉઘરાવવાની ચર્ચા સંભળાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.આ ઘટનાએ ગરીબોને ઘર આપવાના હેતુથી શરૂ કરાયેલી સરકારી યોજનાની પારદર્શકતા પર સવાલો ઊભા કર્યા છે.
વાયરલ ઓડિયોમાં દરેક લાભાર્થી પાસેથી રૂ. ૫૦૦૦ વસૂલવાની વાત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જા કોઈ લાભાર્થી સંપૂર્ણ રકમ ન આપે તો જેટલી રકમ મળે તે સ્વીકારી લેવાની પણ ચર્ચા ઓડિયોમાં હોવાનું કહેવાય છે. આ ઓડિયો બહાર આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે.
સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે યોજનાના લાભાર્થીઓ સુધી પહોંચવા માટે વચેટિયાઓનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું. હપ્તાની રકમ મળ્યા બાદ તરત જ લાભાર્થીઓ પર દબાણ કરીને નાણાં ઉઘરાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.જાકે, વાયરલ થયેલી ઓડિયો ક્લિપની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતાં સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઉચ્ચ કક્ષાએથી સમગ્ર પ્રકરણની તપાસ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.હવે આ કથિત ઓડિયો મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને જવાબદારો સામે કયા પગલાં લેવાય છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાઈ છે.








































