ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ હવામાન વિભાગની આગાહી વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદે તાંડવ મચાવવાનું શરૂ કરી દીધું છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ગઈકાલે મોડી રાત્રે કુદરત પ્રકોપ બનીને વરસી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મોડી રાત્રે પડેલા અનરાધાર વરસાદ અને ઉપરવાસમાં થયેલા સતત અતિભારે વરસાદને કારણે આજે વહેલી સવારે પોશીના-દેલવાડા મુખ્ય માર્ગ પર પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. આ હાઈવે પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હોવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ઉપરવાસના વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદનું બધું જ પાણી એકસાથે નીચાણવાળા વિસ્તારો તરફ ધસી આવ્યું હતું. પાણીની આ અવિરત અને જારદાર આવકના કારણે માર્ગ પર આવેલા તમામ આંતરિક નાળા અને કોઝવે ઓવરફ્લો થઈ ગયા હતા.
પરિણામે, આજે વહેલી સવારથી જ પોશીના-દેલવાડા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો બધો તેજ હતો કે જાણે હાઈવે પર જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પાણીના આ રૌદ્ર સ્વરૂપને કારણે નાના વાહનો (બાઈક અને કાર) પલટી ખાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી, જેને પગલે વાહનચાલકો જીવના જાખમે રસ્તો ક્રોસ કરવા મજબૂર બન્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બીજી તરફ, આ આકસ્મિક આકાશી આફત અને જળબંબોળની સ્થિતિને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતો દ્વારા વાવેલો કે તૈયાર થયેલો કિંમતી પાક પાણીમાં ધોવાઈ જવાની અને વ્યાપક નુકસાન થવાની પાકી ભીતિ સેવાઈ રહી છે. આ આર્થિક ફટકાની ચિંતામાં જગતનો તાત રાતા પાણીએ રોઈ રહ્યો છે.
આ પૂર જેવી પરિસ્થિતિને પગલે સ્થાનિક રહીશો અને બહારગામથી આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘટનાની ગંભીરતાને જાઈને સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા ગ્રામજનો અને વાહનચાલકોને અત્યારે બિનજરૂરી અવરજવર ટાળવા, નીચાણવાળા રસ્તાઓ પર ન જવા તેમજ નદી-નાળા કાંઠેથી દૂર રહેવા માટે સખત સૂચના અને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.