બાબરાના ચમારડી ગામે આવેલી શિવ લહેરી ગૌશાળામાં ભાદરવા સુદ છઠ્ઠના દિવસે ખેડૂતોના ઇષ્ટદેવ ભગવાન બલરામની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ હતી. દીપ પ્રાગટ્ય બાદ સમૂહ આરતી યોજાઈ હતી. ઉપસ્થિત ખેડૂતોએ ભગવાન બલરામ, ગૌમાતા અને સરદાર વલ્લભભાઈ પટેલના જયઘોષ સાથે ‘જય જવાન, જય કિસાન’ના નારા લગાવ્યા હતા. ભારતીય કિસાન સંઘના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરાએ તાલુકા સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ, ખેતપેદાશોની નિકાસ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં તાલુકા કમિટી તથા ખેડૂત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.









































