અમરેલી જિલ્લામાં દિન-પ્રતિદિન ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે બાબરાના એક ડાક્ટર સાયબર ગુનેગારોની જાળમાં ફસાયા હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ટેલિગ્રામ પર અલગ-અલગ આઈડી ધારકોએ ડાક્ટરને રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂ. ૪,૦૫,૦૦૦ ની ઓનલાઈન છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ભોગ બનનાર ડાક્ટર મોહીતભાઇ કીશોરભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦)એ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ડાક્ટરનો સંપર્ક ટેલિગ્રામના એક અજાણ્યા એકાઉન્ટ ધારક દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિહારિકા, દીપક (કસ્ટમર સર્વિસ મેનેજર), કબીર (ઓપરેશન્સ મેનેજર-ગૌતમ), સીનિયર એડમિનિસ્ટ્રેટર અને માનવ (વિડ્રોઅલ મેનેજમેન્ટ) નામના અલગ-અલગ ટેલિગ્રામ આઈડી પરથી મેસેજ કરી ડાક્ટરને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. શરૂઆતમાં ડાક્ટરને રોકાણકાર તરીકે જોડી રૂ. ૩,૬૧૦ નો પ્રોફિટ પાછો આપી મોટી રકમ રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. ડાક્ટરને મોટી કમાણીની માયાજાળમાં ફસાવી અલગ-અલગ યુપીઆઈ આઈડી અને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા ૪,૦૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા બાદ પ્રોફિટ કે મૂળ રકમ પરત ન મળતા ડાક્ટરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જે બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કઈ કઈ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર
આરોપીઓએ ડાક્ટર પાસેથી એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સાઉથ ઈન્ડિયન બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.