લાઠીના નારાયણનગરમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો હતો. ટેલિગ્રામ પર ‘એક કા ડબલ’ ટાસ્કની લોભામણી લાલચ આપી નારાયણનગરના એક યુવક સાથે રૂ. ૨૨,૮૦૦ ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે સાહીદભાઇ હાજીભાઇ તાજાણી (ઉ.વ.૨૧)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ટેલિગ્રામ પર અજાણ્યા ટેલિગ્રામ યુઝર્સ લિંક મોકલનાર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ઠગોએ પોતાની ખોટી ઓળખ આપી અને ખોટી હકીકતો રજૂ કરીને તેમને રોકાણ સામે બમણી રકમ મેળવવાની લાલચ આપી હતી. આ માટે તેને અલગ-અલગ બે લિંક મોકલવામાં આવી હતી અને ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાના બહાને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. જે બાદ તેણે પોતાના ગૂગલ પે એકાઉન્ટનો ઉપયોગ કરી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં તેના બેંક ખાતા નંબરમાંથી કટકે-કટકે કુલ રૂ. ૨૨,૮૦૦ની રકમ કપાઈ ગઈ હતી. તપાસ કરતા આ રકમ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક અને કેનરા બેંકના ખાતામાં જમા થઈ ગઈ હતી. પૈસા કપાઈ ગયા બાદ વળતર ન મળતા અને ઠગ ટોળકીએ સંપર્ક કાપી નાંખ્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના પી આઈ એન જી જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.











































