ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત મહિલા સમિતિ-રાજકોટ શહેર દ્વારા આગામી ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ બે દિવસીય ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન કરાયું છે. ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન ૧૫૦ ફૂટ રિંગ રોડ, આસ્થા સોસાયટી સ્થિત ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે યોજાશે. મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને તેમની આવકમાં વધારો થાય તે હેતુથી આયોજિત આ એક્ઝિબિશન બંને દિવસ સવારે ૮ઃ૦૦ થી સાંજના ૭ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં મહિલાઓ દ્વારા સંચાલિત ૭૦થી વધુ સ્ટોલ ઊભા કરાશે, જેમાં ગારમેન્ટ્સ, હેન્ડલૂમ, ઈમિટેશન જ્વેલરી, કિચનવેર, નવરાત્રિ કલેક્શન, હેન્ડબેગ, રમકડાં, હર્બલ પ્રોડક્ટ્સ અને લાઈવ ફૂડ સહિતની વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ થશે. આ આયોજનમાં પધારી મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.










































