અમરેલી શહેરી વિસ્તારમાં વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત સહાય મેળવતા તમામ લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકારી યાદીમાં જણાવ્યા અનુસાર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, અપંગ વૃધ્ધ સહાય તેમજ વિધવા સહાય યોજનાનો લાભ લેતા તમામ અરજદારો માટે હયાતીની ખરાઈ એટલે કે ઈ-કેવાયસી કરવાની અનિવાર્ય કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે.આ પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવા માટે તમામ લાભાર્થીઓએ પોતાના અસલ આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ ફોન સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારોએ અમરેલી શહેરની મામલતદાર કચેરી, જે જિલ્લા સેવા સદન, રાજમહેલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્‌લોર પર આવેલી છે, ત્યાં રૂમ નંબર ૭, ૮ અને ૧૩ નો સંપર્ક કરવાનો રહેશે. આ સમગ્ર કામગીરી માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોવાથી તમામ યોગ્ય લાભાર્થીઓને વહેલી તકે કચેરીની મુલાકાત લઈ પોતાની ખરાઈ કરાવી લેવા મામલતદાર દ્વારા જણાવાયું છે.