અમદાવાદમાં બનેલી કાળજું કંપાવી દેનારી પ્લેન ક્રેશની દુર્ઘટનાને આગામી ૧૨ જૂના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ કમનસીબ ઘટનાના એક વર્ષ થવાને પગલે મૃતકોના સ્વજનો હજુ પણ તે આઘાતમાંથી બહાર આવી શક્યાં નથી. ત્યારે ૧૨ જૂને આ પ્લેન ક્રેશની વરસી નિમિત્તે મૃતકોની આત્માની શાંતિ માટે તેમના પરિવારો દ્વારા ઘટનાસ્થળે જ એક ભવ્ય ધાર્મિક અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૨ જૂનની સાંજે પ્લેન ક્રેશના મૂળ સ્થળે જ ભવ્ય ભજન સંતવાણી કાર્યક્રમ યોજાશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ અકાળે અવસાન પામેલા દિવંગતોની આત્માને પરમ શાંતિ મળે તે માટેનો છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. સામૂહિક હનુમાન ચાલીસા અને શાંતિપાઠનું આયોજન કરાયું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ ભજન સમ્રાટ હેમંત ચૌહાણ સહિતના નામાંકિત કલાકારોને આ સંતવાણીમાં સૂર રેલાવવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રીશ્રીઓને પણ આમંત્રિત કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર મૃતક આકાશ પટણીના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આકાશે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આકાશના પરિવારે વહીવટી તંત્ર અને સંચાલકો સામે એક મહત્વની માંગણી મૂકી છે કે, પ્લેન ક્રેશના આ ઘટનાસ્થળે જે નવી હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, તે જગ્યા પર કોઈ પણ નવું બાંધકામ કે શરૂઆત થાય તે પહેલાં ત્યાં યોગ્ય શાસ્ત્રીક્ત વિધિ અને ધાર્મિક કાર્ય થાય તે જરૂરી છે. પટણી પરિવારે વધુમાં જણાવ્યું છે કે દુર્ઘટનાના સ્થળે નવી હોસ્ટેલ બને તે પહેલાં ત્યાં દિવંગત આત્માઓની શાંતિ માટે યોગ્ય ધાર્મિક વિધિ થવી જ જાઈએ.
આ પ્લેન ક્રેશની ઘટના માત્ર એક દીકરાનો જીવ જ નથી લઈ ગઈ, પરંતુ એક હસતા-રમતા પરિવારની આજીવિકા પણ છીનવી લીધી છે. આકાશની માતા વર્ષોથી આ અકસ્માત વાળા સ્થળે જ ચાની કીટલી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ, ૧૨ જૂનની એ કાળી રાત બાદ દીકરાના મોતના આઘાત અને આક્રંદના કારણે તેની માતા આજ દિવસ સુધી માનસિક રીતે એટલા ભાંગી પડ્યા છે કે તેઓ ફરી ક્યાંરેય એ ઘટનાસ્થળ તરફ ગયા જ નથી. એક તરફ એકના એક યુવાન દીકરાના મોકનો અસહ્ય શોક છે, તો બીજી તરફ ઘર ચલાવવાની ચિંતા છે. આથી, આકાશની માતાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે તેમને પરિવારના ભરણપોષણ માટે અન્ય કોઈ વૈકલ્પીક જગ્યા ફાળવવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાની રોજીરોટી શરૂ કરી શકે અને પરિવારનું ભરણ પોષણ શરૂ કરી શકે.