ધોરાજીમાં આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા પૈસાની ઉઘરાણી બાબતે નિર્દોષ કોળી યુવાન હિમાલય બારૈયાની ક્રૂર હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ યોજાયેલી વિશાળ શ્રધ્ધાંજલિ સભામાં સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા આ કેસમાં માત્ર બે આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે ભાજપના અગ્રણીઓ સાથે સંકળાયેલા અન્ય બે મુખ્ય આરોપીઓને રાજકીય દખલગીરીના કારણે છોડી દેવાતા ભારે આક્રોશ વ્યાપ્યો છે. કોળી યુવા સંગઠનના પ્રમુખ ચિરાગભાઈ ઝાલાએ ચીમકી આપી છે કે જો પરિવારને તાત્કાલિક ન્યાય નહીં મળે, તો ધોરાજી ખાતે બે લાખથી વધુ લોકોની હાજરીમાં વિશાળ જન આક્રોશ સંમેલન યોજીને ઉગ્ર આંદોલન કરાશે.










































