ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ઘોર બેદરકારી અને આંધળા વહીવટનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામેથી સામે આવ્યો છે. સામાન્ય રીતે જે મકાન લાંબા સમયથી બંધ રહેતું હોય અને જ્યાં વીજળીનો કોઈ ખાસ વપરાશ જ ન થતો હોય, તેવા એક સાદા ઘરનું લાઈટ બિલ અચાનક લાખો રૂપિયામાં આવતા વીજ ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઈ છે. વીજ કંપનીના આ ટેકનિકલ ગોટાળાને કારણે સ્થાનિક ગ્રાહક ભારે માનસિક તણાવમાં મુકાયો છે.
મળતી માહિતી અનુસાર, ચિત્રાસણી ગામના વતની આંજણા રામાભાઈ આભાભાઈ વર્ષોથી પોતાના પરિવાર સાથે ખેતરમાં મકાન બનાવીને રહે છે. ગામની અંદર આવેલું તેમનું મૂળ પિતૃક મકાન લાંબા સમયથી બંધ પડ્યું છે. આ મકાન બંધ હોવાના કારણે દર વખતે તેમને નિયમિત રીતે માત્ર ૩૦૦ થી ૪૦૦ રૂપિયા સુધીનું જ વીજ બિલ આવતું હતું. પરંતુ આ વખતે જ્યારે રામાભાઈના મોબાઈલ ફોન પર યુજીવીસીએલ તરફથી ડિજિટલ બિલનો મેસેજ આવ્યો, ત્યારે તેમાં દર્શાવેલી રકમ જાઈને આખો પરિવાર હેબતાઈ ગયો હતો. વીજળીના કોઈ પણ પ્રકારના વપરાશ વિના જ વીજ કંપનીએ તેમને રૂ. ૧,૦૬,૮૪૩ (એક લાખ છ હજાર આઠસો ત્રેતાલીસ) નું આકાશી બિલ થમાવી દીધું હતું.
જ્યારે પીડિત ગ્રાહકે આટલું મોટું બિલ આવવાનું વાસ્તવિક કારણ શોધવા માટે પોતાના ગામના ઘરના વીજ મીટરની રૂબરૂ તપાસ કરી, ત્યારે યુજીવીસીએલની ગંભીર ક્ષતિ અને અણઘડ વહીવટ ખુલ્લો પડી ગયો હતો. વાસ્તવમાં, ઘરના વીજ મીટરની અંદર માત્ર ૩૧૦૦ યુનિટ જ નોંધાયેલા છે. પરંતુ વીજ કંપનીએ મોકલેલા સત્તાવાર બિલમાં આ આંકડો બારોબાર વધારીને સીધો ૧૭,૦૦૦ યુનિટ બતાવી દેવામાં આવ્યો છે.
પીડિત ગ્રાહક રામાભાઈએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારે દર મહિને માંડ ૩૦૦-૪૦૦ રૂપિયા બિલ આવતું હતું. આ વખતે સીધો એક લાખથી વધુનો મેસેજ આવ્યો એટલે અમે ચિંતામાં આવી ગયા છીએ. ગામના ઘરમાં જ્યારે કોઈ રહેતું જ નથી અને વીજળી વપરાતી જ નથી, તો પછી વીજ કંપની કયા આધારે આટલા બધા યુનિટનું બિલ બનાવી શકે?”
મોબાઈલમાં લાખો રૂપિયાના બિલનો મેસેજ આવ્યા બાદ ચિંતિત બનેલા આંજણા રામાભાઈએ તાત્કાલિક ઇકબાલગઢ ખાતે આવેલી યુજીવીસીએલની કચેરીએ દોડ લગાવી હતી. તેમણે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને આ ગંભીર ટેકનિકલ છબરડા અને મીટર રીડિંગના ગોટાળા અંગે લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી બિલ સુધારી આપવા માંગ કરી છે. હવે જાવાનું એ રહે છે કે ડિજિટલ સિસ્ટમના નામે ગરીબ ગ્રાહકોને આવી માનસિક યાતના આપનાર તંત્ર આ ભૂલ ક્યાંરે સુધારે છે.











































