અરવિંદ કેજરીવાલ અને અન્યોને નીચલા ન્યાયાલયે દારૂ આબકારી જકાત કૌભાંડમાં નિર્દોષ જાહેર કર્યા તે પછી સીબીઆઈએ ઉચ્ચ ન્યાયાલયમાં યાચિકા કરી, જેમાં ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું કે જ્યાં સુધી ઉચ્ચ ન્યાયાલય સીબીઆઈની આ યાચિકા પર નિર્ણય ન કરે ત્યાં સુધી નીચલું ન્યાયાલય અભિયોગ (ટ્રાયલ) ન ચલાવે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સામે ઈડીનો કેસ પણ છે. તેથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે અભિયોગ ન્યાયાલયનો આદેશ ઈડી દ્વારા ધન શોધન (મની લાન્ડરિંગ) કેસ પર અસર ન પાડે તે જોવું જોઈએ.
આનું કારણ એ કે નીચલા ન્યાયાલયે નિર્દોષ જાહેર કરી દીધા એટલે આ આપે અને હવાલા પત્રકારોએ એવું વાતાવરણ બનાવી દીધું, જાણે જંગ જીત્યો રે મારો કાણિયો. કેજરીવાલ અને મનીષ સિસોદિયા ઇત્યાદિ નિર્દોષ હતા. વળી, મીડિયામાં બધું વિગતવાર આવતું નથી.
કેજરીવાલ સામે એક કેસ સીબીઆઈનો અને બીજો ઈડીનો છે તે ઘણાને જ્ઞાત નહીં હોય. અને માનો કે પછીથી ખબર પડે તો પણ એક છાપ એવી જ જાય કે સીબીઆઈના કેસમાં નિર્દોષ છૂટી ગયા તો ઈડીના કેસમાં પણ નિર્દોષ જ હોવા જોઈએ. એટલે જ સાલિસિટર જનરલ તુષાર મહેતાએ નીચલા ન્યાયાલયની સુનાવણી બંધ રાખવા માગણી કરી જેને દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે સ્વીકારી.
પરંતુ તમે જુઓ, કે આટલી અમસ્તી વાતમાં, કેજરીવાલે સ્વર્ણકાંતા શર્મા સામે જાણે જન્મોજન્મનું વેર હોય તેવું વાતાવરણ ઊભું કરી દીધું. અને યાચિકા કરી દીધી કે મારા કેસમાં આ ન્યાયમૂર્તિ તો ન જ જોઈએ. આ કેવી હઠ? કોઈ ક્રિકેટ ટીમ એમ કહી શકે કે અમે રમતા હોય ત્યારે આ અમ્પાયર ન જ જોઈએ? વડા પ્રધાન મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયે અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે ઘણી વિપરીત અને આકરી ટીપ્પણી કરી હતી. ગુજરાતના તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહ વિરુધ્ધ પણ કાર્યવાહી થઈ હતી. ઇવન, કાંગ્રેસના નેતાઓ સામે પણ ન્યાયતંત્રએ ટીપ્પણી અથવા વિરુધ્ધ ચુકાદા આપ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈએ એમ નથી કહ્યું કે અમારે આ ન્યાયાધીશ જ ન જોઈએ. કેજરીવાલે આ મુદ્દે જિદ પકડી લીધી અને યાચિકા કરી. યાચિકામાં કારણ શું આપ્યું? કે ન્યાયમૂર્તિ અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિવક્તા એટલે ઉર્દૂમાં વકીલ. ન્યાયમૂર્તિ વકીલોના કાર્યક્રમમાં હાજર ન રહી શકે? પરંતુ કેજરીવાલ મુજબ, ન રહી શકે કારણકે આ સંસ્થા આરએસએસ સાથે જોડાયેલી છે. એમ જો જોવા જાવ તો કોઈ ને કોઈ ન્યાયાધીશની કોઈ ને કોઈ વિચારસરણી ને ઝુકાવ હોય જ. તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની વિચારસરણી અનેક કેસોમાં ઝળકતી હતી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારના કેસમાં તો તેમણે ત્યાં સુધી ટીપ્પણી કરી હતી કે જો ઉદ્ધવ ઠાકરેએ ત્યાગપત્ર ન આપ્યો હોત તો અમે કંઈક કરી શકત ! તેમની સામે કોઈ મહાભિયોગ ભાજપ લાવ્યો નહીં.
તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુર સંઘના મુખ્યાલયમાં વિજયાદશમીના ઉત્સવમાં ગયા હતા, તો શું તેમને પદ પરથી ઉતારી મૂકવાના? તેમણે કોઈ વિધેયક પર સહી નહીં કરવાની?
પરંતુ કેજરીવાલે ન્યાયાલયમાં ઉપસ્થિત રહી દલીલો કરી અને તેનું વિડિયો રેર્કાડિંગ પણ સાશિયલ મીડિયામાં મૂક્યું જેથી આઆપિયાઓ અને તેમના હવાલા પત્રકારો સમક્ષ બહાદુરી બતાવી શકાય કે જોયું, અમે કેવી દલીલો કરી !
કેજરીવાલ અરાજકતામાં માનનારા નેતા છે, એટલે એ આવા ઉધામા કરે. રાહુલ ગાંધીએ તો પછી વડા પ્રધાન માટે તુંકારો કરવાનો શરૂ કર્યો, પણ તેની શરૂઆત કેજરીવાલે કરી હતી. આમ, પોતે શીશમહલમાં રહે, મોટી સુરક્ષા લે, પરંતુ અમેરિકામાં પ્રમુખ બરાક ઓબામા ગણંતંત્ર દિનના મહેમાન તરીકે આવે અને રાષ્ટ્રપતિ ભવનમાં તેનો કાર્યક્રમ હોય ત્યારે સામાન્ય માણસનો ડોળ કરી સ્લિપર પહેરીને પહોંચી જાય. જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે પણ પોલીસ વિરુદ્ધ બરાબર ગણતંત્ર દિને જ કેજરીવાલ ધરણા પર બેસી ગયા હતા અને સરકારથી માંડીને પોલીસનો જીવ અધર કરી દીધો હતો. બસ, આ જ પ્રકારની રાજનીતિ તેમનો ઉદ્દેશ્ય છે. કરવાનું પાઇ ભરનું, પણ હોબાળો અને અરાજકતા ફેલાવવાની કરોડો રૂપિયાની.
ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માએ કેજરીવાલ અને આઆપના અન્ય નેતાઓ સામે ન્યાયતંત્ર પ્રત્યે તિરસ્કાર ફેલાવવા બદલ કેસ માંડ્‌યો. પરંતુ અત્યાર સુધી કેસમાંથી ખસવા તૈયાર ન થતાં ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્મા, “આ અવમાનના કેસ કર્યો છે તેથી હવે હું કેજરીવાલનો કેસ સાંભળી નહીં શકું,” તેમ કહી કેસમાંથી ખસી ગયાં. કેજરીવાલનું ધાર્યું થઈ ગયું.
કેન્દ્રમાં ‘મજબૂત’ ભાજપ સરકારને ૧૨ વર્ષ થઈ ગયાં છે. ભાજપની સ્થાપનાને ૪૬ વર્ષ થયાં. ન્યાયતંત્ર પર દબાણની વાત નથી, પરંતુ ન્યાયતંત્રમાં ખોટું થતું હોય ત્યારે સ્વર બુલંદ કરીને કહેવા માટે આટલો સમય ઘણો બધો કહેવાય. આની સામે અરવિંદ કેજરીવાલના પક્ષને માત્ર ૧૪ વર્ષ થયાં. તોય તેઓ ન્યાયતંત્ર પર આટલું દબાણ સર્જી જાય છે અને પોતાને પ્રતિકૂળ ન્યાયમૂર્તિને હટવા એક અથવા બીજી રીતે ફરજ પાડે છે. આની સામે કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા સાલિસિટર જનરલે કેમ ન કહ્યું કે મેડમ, તમે જ કેસ સાંભળો? ટૅક્નિકલ કારણ જે કંઈ હોય તે. અવમાનનાનો કેસ પછી પણ થઈ શકે, અથવા તેની સુનાવણી અટકાવી પણ શકાય. વધુ અગત્યની બાબત દિલ્લી દારૂ કેસ છે, કારણકે તેમાં નિર્દોષ છૂટી ગયાની હવા આવનારી ચૂંટણીઓ પર અસર પાડી શકે.
આ એક કેસ જ નથી. આવા અનેક કિસ્સાઓ ૨૦૧૪ પછી બન્યા છે જ્યારે વિપક્ષો અથવા ડાબેરી ઝુકાવવાળા ન્યાયમૂર્તિઓ પોતાના જ મુખ્ય ન્યાયમૂર્તિ પર દબાણ લાવ્યા હોય. યાદ છે ને, તત્કાલીન ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ,
જે. ચેલમેશ્વર, મદન લોકુર અને કુરિયન જોસેફે તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર વિરુધ્ધ પત્રકાર પરિષદ કરીને જાહેરમાં વિદ્રોહ કર્યો હતો અને કહ્યું હતું કે બધા અગત્યના કેસ મિશ્રજી જ કેમ સંભાળે છે? એ વખતે શ્રી રામજન્મભૂમિનો કેસ મિશ્રજી દિન-પ્રતિદિન ચલાવે તેવી શક્યતા હતી, તેને ટાળવાનો જ આશય હોઈ શકે. પરંતુ મિશ્રજી હટી ગયા. તેમની વિરુધ્ધ કાંગ્રેસ આણિ વિપક્ષો મહાભિયોગ લાવવાના હતા. તે પણ થયું નહીં. અને મિશ્રજી પછી જેટલા મુખ્ય ન્યાયમૂર્તિઓ આવ્યા, રંજન ગોગોઈથી લઈને વર્તમાન સૂર્યકાંત સુધી, તે બધાએ અગત્યના કેસો પોતાની પાસે જ રાખ્યા અને ઘણી વાર કેસોમાં મૌખિક બિનજરૂરી ટીપ્પણી કરીને સમાચારનાં મથાળાં પણ બનાવ્યાં.
પણ આજે વાત માત્ર કેજરીવાલની નથી કરવી. વાત ન્યાયતંત્રની કરવી છે. વાત ન્યાયની કરવી છે. ૨૦૨૧ની પ. બંગાળ ચૂંટણીનાં પરિણામોમાં તૃણમૂલ કાંગ્રેસનો વિજય થયો તેમ છતાં પરિણામોના દિવસે તૃણમૂલના ગુંડાઓએ પોલીસના અપરાધિક મૌનની વચ્ચે ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, સમર્થકો અને હિન્દુ મતદારો સામે અભૂતપૂર્વ હિંસા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ ભાજપના ૩૦૦થી વધુ કાર્યકર્તાઓને મારી નાખવામાં આવ્યા. પરંતુ ૨૦૨૧માં તો ભાજપના છ કાર્યકર્તાઓની હત્યા થઈ ગઈ. એટલું જ નહીં, તત્સમયે કાંગ્રેસમાં રહેલા જિતેન પ્રસાદે કહ્યું કે કાંગ્રેસના કાર્યકર્તાઓ પર પણ આક્રમણો થયાં. એટલું જ નહીં, મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં નહોતા આવ્યાં. સીપીએમના નેતાઓએ પણ કહ્યું કે તેમના કાર્યકર્તાઓને પણ હિંસાનું નિશાન બનાવવામાં આવ્યા છે.
સેંકડો હિન્દુઓએ પ. બંગાળમાંથી બિહાર, આસામ અને ઓડિશામાં ભાગીને આશ્રય લેવો પડ્‌યો. આ બીજું પુનરાવર્તન હતું. કાશ્મીરમાં ૧૯૯૦માં જે થયું તેવું જ પ. બંગાળમાં થઈ રહ્યું હતું. એક સગીર સહિત અનેક મહિલાઓ પર તૃણમૂલના કાર્યકર્તાઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા. અરે ! ૬૦ વર્ષની વૃધ્ધા પર પણ બળાત્કાર કરાયો અને તેમની પુત્રવધૂને મારવામાં આવી.
આ ઉપરાંત રાજકીય પક્ષોનાં કાર્યાલયો પર આક્રમણો થયાં. ભાજપ સમર્થકો અને હિન્દુ મતદારોનાં ઘરોને આગ લગાડવામાં આવી.
૨૩ એપ્રિલ ૨૦૨૨ના ‘ઇન્ડિયા ટૂડે’ પાર્ટલ મુજબ, ભાજપના ઓછામાં ઓછા ૩૦૨ કાર્યકર્તાઓ જે પ. બંગાળ છોડીને નાસી ગયા હતા, તે પાછા આવતા ડરે છે.
આ હિંસા વિરુધ્ધ ફરિયાદો થઈ. તેમાંય સીબીઆઈએ છેડતી અને બળાત્કારની ૨૧ ફરિયાદો તો ફગાવી દીધી કારણકે પૂરતા પુરાવા નહોતા ! હજુ ૩૯ કેસોની તપાસ ચાલે છે. બાવન કેસ અકુદરતી મૃત્યુના છે.
કુલ કેટલા કેસ સર્વોચ્ચ ન્યાયાલયમાં થયા છે તે તો ખબર નથી પરંતુ ભાજપના મૃત કાર્યકર્તા અવિજિત સરકારના ભાઈ બિશ્વજિત સરકારે કરેલા કેસમાંથી સ્વર્ણકાંતા શર્મા જેમ કેજરીવાલના કેસમાંથી હટી ગયાં, તેમ, ઈન્દિરા બેનર્જી નામનાં ન્યાયમૂર્તિ આ કેસમાંથી હટી ગયાં. કેમ હટી ગયાં હશે તે સત્તાવાર રીતે કહેવાયું નથી. ૨૦૨૧ની આ હિંસાને પાંચ વર્ષ થવાં આવ્યાં છે અને ઈન્દિરા બેનર્જી હટી ગયાં પછી પણ ઠંડકથી આ કેસ ચાલે છે. જોકે તાજેતરમાં હવે નવરાં પડેલાં મમતા બેનર્જી પોતે વકીલની ભૂમિકામાં આવીને કેસમાં દલીલ કરવા આવ્યાં હતાં. માત્ર અવિજિત સરકારના ભાઈ જ નહીં, ૨૦૨૧ની ચૂંટણી પછીની હિંસાનો ભોગ બનેલા અને તે પૂર્વે ૨૦૧૮માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે હિંસાનો ભોગ બનેલા, તેમજ સંદેશખાલી, આર. જી. મેડિકલ કર કાલેજ ડાક્ટર બળાત્કાર, દુર્ગાપુર બળાત્કાર એમ અનેક મોટા ગંભીર કેસોના પીડિતો ન્યાય ઝંખે છે.
કાશ્મીર પંડિતો સામે થયેલી હિંસાનો કેસ ડિસેમ્બર ૨૦૨૨માં ડી. વાય. ચંદ્રચૂડની બૅન્ચે એમ કહીને ફગાવી દીધો હતો કે આ કેસમાં અતિશય વિલંબ થયો છે. ઘટનાના દાયકાઓ પછી હવે પુરાવા મળી શકે તેમ નથી. તેમ કરીને કેસમાં ન્યાય મળવાની આશા પર જ પાણી ફેરવી દીધું હતું. ક્યાંક પ. બંગાળની ઉપરોક્ત ઘટનાઓ સંદર્ભે પણ આવું ન થાય તે જોવું જોઈએ.
પ્રશ્ન એ જ આવીને ઊભો રહે છે કે સર્વોચ્ચ ન્યાયાલયમાંથી અજમલ કસાબ, યાકૂબ મેમણ, અફઝલ ગુરુ સામે અનેક ચલકચલાણા પછી અપાયેલી સજાને બાદ કરીએ તો કયા મોટા કેસમાં ન્યાય થયો હોવાની લાગણી પીડિતોને થઈ? અનેક વર્ષો પછી જ્યારે ન્યાય મળે છે ત્યારે ન્યાયની ઝંખના મરી પરવારી હોય છે. ઘણી વાર તો નીચલાં ન્યાયાલયો આકરી સજા આપે અને આરોપીઓ-દોષિતો સર્વોચ્ચમાંથી નિર્દોષ છૂટી જાય છે અથવા જામીન પર તેમને છૂટા ફરવાની છૂટ આપવામાં આવે છે. ગત ૧૮ મેએ સર્વોચ્ચના ન્યાયમૂર્તિઓ ઉજ્જવલ ભૂયાન અને
બી. વી. નાગરત્નની બૅન્ચે ફરી વાર કહ્યું કે ‘જામીન નિયમ છે અને જેલ અપવાદ.’
એક તરફ, તો ત્રાસવાદીઓ, બળાત્કારના આરોપીઓ, હત્યાના આરોપીઓ વગેરે જામીન પર છૂટા ફરે અને બીજી તરફ, રખડતા શ્વાનોને મારી નાખવાનો સર્વોચ્ચ આદેશ આપે! ગાયને રસ્તા પરથી અદૃશ્ય કરી દીધી, શ્વાનોને પણ કરી દેવાશે. ત્રાસવાદીઓ બધા જ મુસ્લિમ હોય છે તેમ છતાં ત્રાસવાદીઓનો કોઈ મઝહબ હોતો નથી, પરંતુ રસ્તા પર રખડતા શ્વાનો ત્રાસદાયક છે. તેમને મારી નાખો. આ રીતે તો કાલે વાંદરા, પરમ દિવસે બીજા કોઈ પ્રાણી પછી કોઈ મનુષ્ય આ કેટલું યોગ્ય ગણાય? હિન્દુ ધર્મમાં પ્રથમ રોટલી ગાય માટે અને અંતિમ રોટલી શ્વાન માટે હોય છે. તે ક્યાં ખવડાવવા જવી? રખડતા કૂતરાં કરતાં ઘરમાં પાળવામાં આવતા વિદેશી શ્વાનો વધુ ભયજનક અને હાર્ટઍટેક લાવી દેનારા હોય છે. રખડતા કૂતરાને તો ડંડા-પથ્થર મારી શકો, પણ આ પાળીતાં શ્વાનોની સામે કંઈ કરો તો તેના સ્વામી કરડવા આવે !
બીજી તરફ, ન્યાયમૂર્તિ યશવંત વર્મા સામે સર્વોચ્ચની જ સમિતિએ તેમને દોષિત ઠરાવ્યા પછી તેમણે ત્યાગપત્ર આપી દીધો, બસ. આમાં, ન્યાય ક્યાં તોળાયો? ભાજપ પણ સંસદમાં મહાભિયોગની વાત કરે છે, પણ તેમને સજા માટે ખોંખારીને કહેતો નથી. તેમને શું નિવૃત્તિ પછીના લાભો મળતા રહેશે?
તો, મધ્ય પ્રદેશના ભોપાલમાં અભિનેત્રી ટિ્‌વશા શર્માના આપઘાત કેસમાં દહેજના આક્ષેપો લાગ્યા છે અને ટિ્‌વશાનાં સાસુ ગિરિબાળાસિંહ નિવૃત્ત ન્યાયાધીશ છે ! પરંતુ તેઓ જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ મંચનાં અધ્યક્ષા છે. તેમને હટાવવા જોઈએ તેવી માગણી ઊઠી છે. વડોદરામાં ૨૦૨૨માં ન્યાયાધીશ દીપક ચૌહાણ સામે તેમની પત્નીએ દહેજ અને જાતીય શોષણની ફરિયાદ કરી હતી. પંજાબના પતિયાલામાં સિવિલ જજ (જુનિયર ડિવિઝન) વિક્રમદીપસિંહ પર તેમના જ સાથી અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ કમલજીતસિંહના ઘરે ઘરેણાં અને રોકડ ચોરવાનો આક્ષેપ લાગેલો છે !
કહેવાનો અર્થ એ છે કે ભારતમાં ન્યાયની અપેક્ષા ન્યાયતંત્ર પાસે રાખવામાં આવે છે, પરંતુ સ્વર્ણકાંતા શર્મા અને ઈન્દિરા બેનર્જી સાથે થયું તેવું જો થાય તો કયા ન્યાયાધીશ મુક્ત રીતે ન્યાય તોળી શકે? અને ન્યાયાધીશની પોતાની ભ્રષ્ટાચાર અને અપરાધોમાં સંલિપ્તતાને કેવી રીતે અટકાવશો? તેના માટે પણ તેમને યોગ્ય સજા કરી ઉદાહરણ બેસાડવાં પડે. સલમાન ખાન હિટ ઍન્ડ રન કેસ સહિત અનેક ઉદાહરણ છે જેમાં પુરાવાના અભાવે આરોપીઓ છૂટી ગયા હોય અને અપરાધ કોણે કર્યો છે તે નક્કી જ નથી થતું. ૧૯૮૪ શીખ નરસંહાર કેસો, ૨૦૦૭નો અજમેર શ્રેણીબધ્ધ વિસ્ફોટ કેસ, કનૈયાલાલ દરજી કેસ વગેરે અનેક ઉદાહરણો છે, જેમાં પીડિતો હજુ પણ ન્યાય ઝંખે છે. વિશ્વ ગુરુ બનવું હોય તો લોકોને ન્યાય મળવાની લાગણી કરાવવી અતિ આવશ્યક છે કારણકે જ્યારે ન્યાય ન થાય અને અપરાધીઓ ખુલ્લા ફરે તો દેશમાં અરાજકતા વ્યાપે છે.