રાજુલા એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ નેટવર્કમાં સામેલ અન્ય એક વોન્ટેડ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજો અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨,૬૯,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.મળતી વિગતો મુજબ, રાજુલામાં માદક પદાર્થનું વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસે નાંજીમભાઈ એહમદભાઈ પઠાણ (ઉ.વ. ૨૯)ને પકડી પાડી તેની તલાશી લેતા મોટી માત્રામાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, તેણે આ ગાંજાનો જથ્થો ગૌતમકુમાર દિલીપકુમાર ઝા (પંડિત, ઉ.વ. ૩૭) પાસેથી ખરીદ્યો હતો. વળી, આ ગેરકાયદેસર ખરીદ-વેચાણના સોદામાં ઝારખંડનો બિટ્ટુકુમાર મુખ્ય કડી બન્યો હતો. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ગાંજાનો કુલ ૫ કિલો અને ૨ ગ્રામ જથ્થો, અંગ ઝડતી દરમિયાન રોકડા રૂ. ૨,૭૦૦, બે મોબાઈલ, એક ડિજિટલ વજન કાંટો તથા પેકિંગની સામગ્રી મળી કુલ રૂ. ૨,૬૯,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.







































