રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી નાગરિકોએ બિલકુલ ગભરાવવાની જરૂર નથી. પેટ્રોલ પંપ પર ઇંધણની સપ્લાયના મોનિટરિંગ અંગે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી સઘન કામગીરીની વિગતો આપતાં મંત્રી વાઘાણીએ મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા.
રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ નથી તેની વિગતો સરકારી તંત્ર દ્વારા સતત એકત્રિત કરવામાં આવી રહી છે. આ ડેટાના આધારે કયા વિસ્તારોમાં ઇંધણની વધુ જરૂરિયાત છે તેનો સચોટ ખ્યાલ મેળવી ત્વરિત પગલાં લેવામાં આવે છે. આઇઓસીએલ,બીપીસીએલ અને એચપીસીએલ જેવી અગ્રણી ઓઈલ માર્કેટીંગ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ લગભગ દૈનિક ધોરણે સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે. જે વિસ્તારો કે પંપ પર સ્ટોક ઓછો જણાય, ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે કંપનીઓને ત્વરિત સૂચના આપવામાં આવે છે.
વિભાગ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને સતત પેટ્રોલ-ડીઝલના જથ્થાનું મોનીટરીંગ કરવા આદેશો અપાયા છે. રાજ્યમાં ક્્યાંય પણ ઇંધણનું અનધિકૃત વેચાણ કે સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને કડક સૂચનો આપવામાં આવ્યા છે.
દરરોજ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ પાસેથી સમગ્ર રાજ્યનો પેટ્રોલ, ડીઝલ અને એલ.પી.જી.નો પુરવઠા ડેટા મેળવીને રાજ્ય સ્તરે એક સઘન અહેવાલ તૈયાર થાય છે. આ વિશ્લેષણના આધારે સંબંધિત જિલ્લા પુરવઠા અધિકારીઓ અને કંપનીઓને જરૂરી વ્યવસ્થા ગોઠવવા દિશાનિર્દેશો અપાય છે.
નાગરિકો અને પેટ્રોલ પંપ ડીલર્સને કોઈ અગવડ ન પડે તે માટે “પેટ્રોલ પંપ ડ્રાય આઉટ” (જથ્થો ખૂટી જવો) ની સમસ્યા અંગે મળતી ફરિયાદો પર જિલ્લા પુરવઠા તંત્ર અને ઓઇલ કંપનીઓ દ્વારા તાત્કાલિક ફોલો-અપ લેવામાં આવે છે. આ ઉપરાંત, અખબારો કે અન્ય માધ્યમો દ્વારા મળતી માહિતીને આધારે પણ તંત્ર તાત્કાલિક જે-તે સ્થળે સપ્લાય સુનિશ્ચિત કરે છે.
મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે વાહનોની ટાંકીમાં ઈંધણ ભરાવવા અંગે કોઈ જ નિયંત્રણ મુકવામાં આવ્યું નથી. જાકે, અન્ય વિશિષ્ટ હેતુઓ માટે સપ્લાય જળવાઈ રહે તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં કૃષિ હેતુ માટે ૨૦૦ લિટરની મર્યાદામાં અને મોબાઇલ ટાવર્સ માટે ૧૦૦૦ લિટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઉદ્યોગો માટે જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી, તેઓને છેલ્લા છ માસના સરેરાશ ઉપયોગને ધ્યાને લઈ ડીઝલ ફાળવવામાં આવશે.
મંત્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઓઇલ માર્કેટીંગ કંપનીઓના સત્તાવાર અહેવાલ મુજબ જાહેરક્ષેત્રની કંપનીઓનો માસિક સેલ ગ્રોથ રેટ ૮૦% થી વધુ નોંધાયો છે. નાગરીકો દ્વારા બિનજરૂરી ડરના કારણે કરવામાં આવતા પેનિક બાઇંગને લીધે પેટ્રોલ પંપ પર નવો જથ્થો પહોંચતાની સાથે જ તુરંત વેચાઈ જાય છે. ટર્મિનલ પરથી નવો જથ્થો પંપ સુધી પહોંચવામાં જે સમય લાગે છે, માત્ર તેટલા જ પૂરતો જથ્થો હંગામી સમય માટે ખૂટવાની પરિસ્થિતિ સર્જાય છે, જે અછત નથી.
ગુજરાત સરકાર તરફી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ અફવાઓથી ગભરાયા વગર પોતાની રોજિંદી જરૂરિયાત મુજબ જ ઇંધણની ખરીદી કરે. રાજ્યનું વહીવટીતંત્ર નાગરિકોની સુવિધા માટે સંપૂર્ણપણે સજ્જ અને કાર્યરત છે.