ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણા દેશની અર્થવ્યવસ્થા અને લોકોનું જીવન આજે પણ મોટા પ્રમાણમાં ખેતી ઉપર આધારિત છે. ખેડૂત માત્ર અનાજ ઉગાડતો માણસ નથી, પરંતુ આખા દેશનું પેટ ભરનાર અન્નદાતા છે.જગતનો તાત છે. ખેડૂત પોતાના પરસેવા અને અવિરત મહેનતથી ધરતીને સોનેરી બનાવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે અનેક ખેડૂતોના દીકરાઓ ખેતી છોડીને શહેરો તરફ જઈ રહ્યા છે. આ માત્ર એક પરિવારનો પ્રશ્ન નથી, પરંતુ ગામડાં અને દેશના ભવિષ્ય માટે ચિંતાજનક સ્થિતિ છે.
ખેડૂતનું જીવન સંઘર્ષ અને મહેનતથી ભરેલું હોય છે. એક ખેડૂત જ્યારે જમીનમાં બીજની વાવણી કરે છે ત્યારે તેની સાથે આશા અને અપેક્ષા પણ વાવે છે. દીકરા દીકરીને ભણાવીશું, સારી સાયકલ કે મોટરસાયકલ લઈશું. દિવાળીએ મકાનને કલર કરાવીશું રીપેરીંગ કરીશું, વાડીએ સારી એક ઓરડી બનાવીશું સાહેબ મારા દેશનો ખેડૂત આવા સપનાઓ લઈને વાવેતર કરતો હોય છે.ત્યારથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂત સતત ચિંતા અને મહેનત કરે છે. કડકડતી ઠંડી, ધગધગતો તડકો કે ભારે વરસાદ કોઈ પણ પરિસ્થિતિમાં ખેડૂત પાછળ નથી હટતો. દેશની જનતા રાત્રે સુતી હોય ત્યારે સરહદનો ચોકીદાર એટલે જવાન અને ખેડૂત જાગતા હોય છે.ઘણી વખત રાત્રે ઊંઘ છોડીને પણ પાકની સુરક્ષા કરવી પડે છે. વરસાદ આવશે કે નહીં? રોગ અને જીવાત આવશે તો કંઈ દવાઓ છાંટવી પીઠ ઉપર દવાના પંપ લઈને પીડા ખેડૂતોને ખેત મજૂરો સહન કરે છે. એ પીડા તેને યાદ આવી જાય છે? પાકનો યોગ્ય ભાવ મળશે કે નહીં? જેવી હજારો ચિંતાઓ વચ્ચે ખેડૂત જીવતો હોય છે. ખેતીમાં નિયમિત આવક નથી કારણ કે ખેડાણથી લઈને પાક બજારમાં આવે ત્યાં સુધી ખાતર દવા બિયારણ અને મજૂરી ના પૈસાનું રોકાણ થાય છે અને અંતે કેટલો ભાવ મળશે એની ચિંતા સતત હોય છે તેમ છતાં પણ સમસ્યાઓ સામે જ ઝજુમીને આજના સમયમાં અનેક ખેડૂતો આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ડ્રિપ સિંચાઈ, ગ્રીનહાઉસ, ઓર્ગેનિક ખેતી, મિલેટ ઉત્પાદન, ડેરી, બાગાયતી ખેતી અને ઔષધીય પાકો દ્વારા ઘણા ખેડૂતો સફળતા મેળવી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક ખેડૂતો આજે નવી ટેકનોલોજી અને નવી વિચારસરણી દ્વારા લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે. ખેતી હવે માત્ર પરંપરાગત વ્યવસાય નહીં, પરંતુ ઉદ્યોગ અને બિઝનેસનું રૂપ લઈ રહી છે.
સરકાર દ્વારા પણ ખેતી અને ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. ડ્રિપ અને સ્પ્રિંકલર સિંચાઈ ઉપર સબસિડી આપવામાં આવે છે. પાક વીમા યોજના, સોલાર પંપ સહાય, ખેડૂત ક્રેડિટ કાર્ડ, કુદરતી ખેતી અને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન , કુદરતી આફતો સામે સહાય, વાવેતર પહેલા ટેકાના ભાવે ખરીદીના ભાવ જાહેર કરવાજેવી અનેક યોજનાઓ ખેડૂતોને મજબૂત બનાવવાના પ્રયત્રૂપે છે. ઉપરાંત મિલેટ અને ઔષધીય ખેતીને પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પરંતુ આ બધાની વચ્ચે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે ખેડૂતનો દીકરો ખેતીથી દૂર કેમ થઈ રહ્યો છે?
તેનું સૌથી મોટું કારણ છે ખેતીમાં અનિશ્ચિતતા. વર્ષભરની મહેનત છતાં ક્યારેય ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. કુદરતી આફતો અને વધતા ખર્ચને કારણે ખેડૂતની આવક ઘણી વખત અસ્થિર રહે છે. જમીનોના સતત થતા ટુકડાઓ આ બધું સામે દેખાય રહ્યું છે.યુવાનો પોતાના માતા-પિતાનો સંઘર્ષ જોઈને ખેતીમાં સુરક્ષિત ભવિષ્ય નથી જોતા.
આ સાથે સામાજિક પરિસ્થિતિ પણ મોટી જવાબદાર છે. આજે શહેરમાં નોકરી કરનાર યુવકને વધારે પ્રતિષ્ઠા મળે છે, જ્યારે ખેતી કરતો યુવક ઘણી વખત પાછળ પડેલો ગણાય છે. અનેક ગામડાંમાં યુવકોને માત્ર ખેતી કરતા હોવાથી સગાઈ અને લગ્નમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સગાઈ વખતે દીકરીના બાપને ગામડે મકાન જોઈએ છીએ ગામડે જમીન જોઈએ છીએ પણ સાથે એવું પણ કહે છે મારી દીકરી ગામડે નહીં રહે મારી દીકરી ખેતરે ક્યારેય નહીં જાય“ગામડે રહેવું નથી” જેવી માનસિકતા પણ ગામડાંના યુવાનોને ખેતીથી દૂર કરી રહી છે.
મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં શહેરોની ચમક યુવાનોને વધારે આકર્ષે છે. મોટી ઓફિસો, વૈભવી જીવન અને શહેરોની ચમક જોઈને ગામડાંનો યુવાન ખેતી કરતાં શહેરનું જીવન વધારે સારું માને છે. પરંતુ શહેરોની આ ચમક પાછળ પણ અનેક સંઘર્ષ છુપાયેલા છે, જ્યારે ગામડાંમાં સંબંધો, સંસ્કૃતિ અને કુદરતનો સ્નેહ આજે પણ જીવંત છે.
જો ખેડૂતનો દીકરો ખેતી છોડશે તો આવતીકાલે દેશને અન્ન કોણ આપશે? શુધ્ધ દૂધ અને ઘી છાશ માખણ કોણ આપશે?? આજે ગામડાઓમાં પશુપાલન નહિવત હોવા છતાં દૂધ અને દૂધની બનાવટો માગો એટલી મળે છે આ ક્યાંથી આવે છે ક્યાં બને છે એ પ્રશ્ન ખાનાર
આભાર – નિહારીકા રવિયા વર્ગ ઉપર છોડુ છુ. મને હંમેશા આશ્ચર્ય એ વાતનું થાય છે કે ખેડૂતોના નામ ઉપર કે માલધારી પશુપાલકોના નામ ઉપર રાજકારણ કરનારા લોકો મોટી મોટી ગાડીઓમાં ફરે છે મોટા મોટા બંગલાઓમાં રહે છે. સંપત્તિઓની કોઈ કમી નથી તો આ બધું આવે છે ક્યાંથી.. મારા દેશના ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં આવી રોશની ક્યારેય આવશે ખરી??આ પ્રશ્ન હવે સમગ્ર સમાજે વિચારવાનો સમય આવી ગયો છે. ખેતીને આધુનિક બનાવવી પડશે, ગામડાંમાં કૃષિ આધારિત ઉદ્યોગો ઊભા કરવા પડશે અને યુવાનોને ખેતીમાં ગૌરવ અને ભવિષ્ય બંને દેખાડવું પડશે.
સમાજે પણ પોતાની માનસિકતા બદલવી પડશે. ખેડૂતનો દીકરો માત્ર ખેડૂતનો ૭- ૧૨અને ૮ અ નો વારસદાર નથી, પરંતુ દેશના ભવિષ્યનો સંરક્ષક છે. તેના હાથમાં માત્ર માટી , કોદાળી કે પાવડો નથી, પરંતુ આખા દેશનું જીવન છે.
કારણ કે
“ગામડાં બચશે તો જ ખેતી બચશે,
અને ખેતી બચશે તો જ ભારત મજબૂત બનશે.”
:: તિખારો:;
પદ, પ્રતિષ્ઠા, પૈસા હોવા એ ખોટું નથી, પરંતુ તેના માટે માણસાઈ વેચી દેવી સૌથી મોટી ગરીબી છે. લાલચુ અને સ્વાર્થી માણસ સંબંધો નહીં, માત્ર પોતાનો ફાયદો જ જુએ છે. જે પોતાનો આત્મ સન્માન વેચીને સફળતા મેળવી શકે એવા વ્યક્તિઓથી દૂર રહેવું સારું