ગેરકાયદે ચાલતી ઇ-ફાર્મસી, ઓનલાઈન દવા વેચાણ અને માર્જિનથી વધુ ડિસ્કાઉન્ટના વિરોધમાં ગુજરાતના આશરે ૩૫ હજાર કેમિસ્ટો આવતીકાલે એક દિવસની હડતાળ પર ઉતરશે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના અંદાજે ૧૨.૫ લાખ કેમિસ્ટ, હોલસેલર અને ડ્રગ ડીલરો પણ આ હડતાળમાં જોડાશે. જોકે ઇમરજન્સી કેસમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવી ખાતરી કેમિસ્ટ એસોસિયેશન દ્વારા આપવામાં આવી છે.

ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના આગેવાનોના જણાવ્યા મુજબ ગેરકાયદે ઇ-ફાર્મસી અને મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી ઓનલાઈન ફાર્મસીઓ બજારમાં અતિશય ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેના કારણે નાના કેમિસ્ટોના ધંધા પર સીધી અસર પડી રહી છે. એસોસિયેશનનું કહેવું છે કે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર હેઠળ નક્કી કરાયેલા માર્જિન કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટ ઓનલાઈન કંપનીઓ આપી રહી છે, જે નિયમો વિરુદ્ધ છે.

કેમિસ્ટ આગેવાનોના મતે ભારે ડિસ્કાઉન્ટના નામે બજારમાં ડુપ્લીકેટ અને સ્પુરિયસ દવાઓ પણ ઘૂસી રહી છે. ખાસ કરીને ગુજરાત બહાર બનતી શંકાસ્પદ ગુણવત્તાની દવાઓ હવે ગુજરાતના બજારમાં પણ વેચાઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે માત્ર નાના વેપારીઓ નહીં પરંતુ દર્દીઓના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે.

એસોસિયેશને ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કેટલીક ઓનલાઈન ફાર્મસીઓ સાયકોટ્રોપિક સબસ્ટન્સ કેટેગરીમાં આવતી અને ડાક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકાતી દવાઓ પણ ગેરકાયદેસર રીતે વેચી રહી છે. હૈદરાબાદના ડાક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન બનાવીને દર્દીઓને દવાઓ વેચાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે કે જે દવાઓ કાયદેસર રીતે ડાક્ટરના સલાહ વિના વેચી શકાય નહીં તે દવાઓ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.

કેમિસ્ટ એસોસિયેશનનું કહેવું છે કે ઓનલાઈન ફાર્મસીઓના કારણે પરંપરાગત કેમિસ્ટોના ધંધા પર મોટો પ્રભાવ પડ્યો છે અને અંદાજે ૭થી ૮ ટકા સુધી ધંધો ઘટ્યો છે. તેથી ગેરકાયદે ઇ-ફાર્મસીઓને તાત્કાલિક બંધ કરાવવાની માંગણી પણ કરવામાં આવી છે.

કોરોના કાળ દરમિયાન દુકાનોને હોમ ડિલિવરી માટે આપવામાં આવેલી છૂટનો પણ ઓનલાઈન ફાર્મસીઓ ગેરફાયદો ઉઠાવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એસોસિયેશને સરકાર પાસે કોરોના સમયનું નોટિફિકેશન પાછું ખેંચવાની માંગ કરી છે.

આ સાથે જ પ્રીડેટરી પ્રાઈસિંગ એટલે કે અન્ય વેપારીઓનો ધંધો ખતમ કરવા માટે અત્યંત નીચા ભાવ રાખવાની નીતિ સામે પણ કડક કાયદો લાવવાની માંગણી કરવામાં આવી છે. ડુપ્લીકેટ દવાઓ બનાવનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી કરીને દવા ઉદ્યોગ અને દર્દીઓના હિતોની સુરક્ષા કરવાની જરૂર હોવાનું કેમિસ્ટ સંગઠનનું કહેવું છે.