અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એર એશિયાની ફ્લાઈટમાં કુલાલમપુરથી અમદાવાદ આવેલા એક શંકાસ્પદ પેસેન્જરની અટકાયત કરીને તેની હેન્ડબેગની તપાસ કરતા તેમાંથી ફૂડ પેકેટની અંદર છુપાવવામાં આવેલું ૯.૩૦ કિલોગ્રામનું હાઈ ક્વોલિટીનું હેરોઈન એરપોર્ટ કસ્ટમના અધિકારીઓએ જપ્ત કરીને પેસેન્જરની ધરપકડ કરી છે. જપ્ત કરવામાં આવેલા હેરોઈનની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ ૧૪ કરોડથી વધારે થવા જાય છે.

એરપોર્ટ કસ્ટમના અધિકારીઓએ તાજેતરમાં જ થાઈલેન્ડથી અમદાવાદ આવેલા એક પેસેન્જર પાસેથી હાઇબ્રીડ ગાંજા જપ્ત કર્યો હતો, જેની માર્કેટ વેલ્યુ ૬.૫ કરોડ થવા જાય છે. ત્યારબાદ બીજા દિવસે હાઈ ક્વોલિટીનું હેરોઈન અમદાવાદના એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓએ પકડી પાડતા તમામ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. કસ્ટમના સૂત્રોએ જણાવ્યું કે એર એશિયાની ફ્લાઈટ નંબર એકે ૯૧ માં કુલાલમપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા એક પેસેન્જરની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી, જા કે તેની પાસે હેન્ડબેગ સિવાય બીજા કોઈ લગેજ હતું નહીં, પરંતુ કસ્ટમના અધિકારીઓને માહિતી મળી ગઈ હતી કે આ પેસેન્જર પોતાની હેન્ડબેગમાં શંકાસ્પદ પદાર્થ લઈને આવી રહ્યો છે. જેના આધારે પેસેન્જરની પ્રોફાઈલ ચેક કરવામાં આવતા તે કેરાલાના વેયાનંદ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

હેન્ડબેગની તપાસ કરવામાં આવતા તેની અંદરથી ગ્લુટા ગ્રો અને ક્રેકર્સ કોકોનેટ ફ્લેવરના ૨૫ થી વધારે પેકેટ મળી આવ્યા હતા જેની અંદર સફેદ પાવડર હોવાનું જણાતા એફએસએલની લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવવામાં આવતા આ સફેદ પાવડર હાઈ ક્વોલિટીનો હેરોઈન હોવાનું જણાયું હતું. પેકેટની અંદર ફૂડ આઈટમની સાથે આ હેરોઈન છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમના અધિકારીઓએ એનડીપીએસ એક્ટની કલમ ૧૯૮૫ હેઠળ પેસેન્જરની ધરપકડ કરીને ક્રોસ બોર્ડર પેસેન્જરની તપાસ કરી છે. ખાસ કરીને કેરાલાની ગેંગ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર નાર્કોટિક્સની હેરાફેરી કરવા માટે સક્રિય થતા એરપોર્ટના તમામ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે.

૧૪ કરોડથી વધારેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ ધરાવતું આ હેરોઈન ગુજરાતમાં કે ગુજરાત બહાર કોને ડિલિવર કરવાનું હતું તેની માહિતી કસ્ટમ વિભાગને મળી છે, એટલું જ નહીં ગત મહિને પણ કસ્ટમના અધિકારીઓએ ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાની ધરપકડ પણ કરી હતી. આ કિસ્સામાં પણ ડ્રગ સિન્ડીકેટના કેટલાક સભ્યોના નામ કસ્ટમ સામે આવ્યા છે. જાકે હાલ તેની તપાસ ચાલી રહી છે.