સાવરકુંડલા શહેરમાંથી એક ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી હતી. પત્નીને તેડવા આવેલા એક પતિ પર નાણાંની ઉઘરાણી બાબતે તેના જ સાસરિયાએ જીવલેણ હુમલો કર્યો હતો. આંખમાં મરચાની ભૂકી નાખી, પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે યુવકને બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો હતો, જેમાં તેના બંને હાથ-પગ ભાંગી ગયા હતા. આ અંગે રાજુલાના બાબરીયાધાર ગામે રહેતા હર્ષદભાઇ વિપુલભાઇ પરમાર (ઉ.વ.૨૮)એ સાવરકુંડલામાં રહેતા જગદિશભાઇ સુખાભાઇ પરમાર, દયાબેન જગદિશભાઇ પરમાર તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની પત્નીને તેડવા માટે સાવરકુંડલા ખાતે પોતાના સસરાના ઘરે આવ્યો હતો. આ દરમિયાન તે તેના ફઈના દીકરા જગદીશભાઈ પરમારના ઘરે ગયો હતો. ત્યાં આરોપીએ તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. પરંતુ તેમની પાસે પૈસા હોવાનું જોઈ જતાં ત્યાં હાજર દયાબેન પરમાર ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે તેમની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. આંખમાં મરચું પડતાં જ ભયભીત થઈને તેઓ પોતાનો જીવ બચાવવા ઊભો થઈને ભાગવા લાગ્યો હતો. તે સમયે આરોપીએ તેના પગમાં લોખંડની પાઇપનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો. તેઓ જેમ-તેમ કરીને વાડ ટપીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર એક અજાણ્યા શખ્સે તેના પગમાં કુહાડીનો ઘા મારી દીધો હતો. છતાં, તેઓ તે શખ્સને ધક્કો મારીને બજાર તરફ ભાગી છૂટ્યો હતો. હુમલાખોરો આટલેથી જ ન અટક્યા, તેઓ પીછો કરીને બજારમાં પહોંચ્યા હતા અને તેમને ગાળો આપી નીચે પાડી દીધો હતો. દયાબેન પરમારે તેના વાળ પકડી રાખ્યા હતા, જ્યારે અન્ય આરોપીએ લોખંડની પાઇપ અને કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. ચારેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદીને બંને પગે ગોઠણથી નીચેના ભાગે તેમજ બંને હાથે કાંડા (પોંચા) ના ભાગે આડેધડ ફટકાર્યો હતો. આ હિંસક હુમલામાં તેમના બંને પગ અને બંને હાથમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયા હતા. આ ઉપરાંત આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































