બેરાલાલ આજે એક મોટી મૂંઝવણમાં આમથી તેમ ચક્કર મારી રહ્યા હતાં. ગરમી કહે મારું કામ. એમા’ય આપણાં અંબાલાલે વધારે ડરાવી દીધાં. ‘બપોરે અગિયાર થી સાંજે પાંચ સુધી ઘરની બહાર નો નિકળવું’ આવું ફરમાન ટી.વી.વાળાએ બહાર પાડી દીધું છે. હવે મારે કરવું તો કરવું શું?
બનેવીલાલના ધ્યાને આ ગરમા ગરમ હરક્ત આવી.
‘‘કેમ? બેરાલાલ કાંઈ અહક જેવું લાગે છે? ગેસ થયો છે? ઉનાળામાં તીખું તળેલું નો ખવાય!! પછી અહક જ થાય ને!!’’
‘‘તમને કોણે કીધું કે મેં તીખું તળેલું ખાધું છે?’’
‘‘તમારી હાલતે કીધું. તમને ક્યાંય હખ નથી. શેરીના કૂતરાં’ય ઝપ ખાયને બેવડ વળી ગયાં છે. અને તમે આમ થી તેમ આંટા મારો છો. શું ખરાં બપોરે વોકિંગ કરો છો!??’’
‘‘વોકિંગ બોકિંગ ઈ હંધૂય પૈસાવાળાનો ખેલ છે. અમ જેવાં ગરીબ માણસોને શું વોકિંગ હોય? આખો દિવસ વોકિંગ જ હાલે છે.’’
‘‘તો પછી આખરે વાત શું છે? કાંઈક તો ગરબડ છે જ !!’’
‘‘બનેવીલાલ! મને હમજાતું નથી કે, મારે શું કરવું જોઈએ? એક બાજું આ લગનની સિઝન હાલે છે. અને એક બાજું આ કાળો તડકો.’’
‘‘હા પણ, લગન તો શિયાળામાં’ય થાય ને!! અને આ ઉંમરે હવે તમારે લગન કરવાં છે? ’’
બનેવીલાલ તમે ભારે ઉતાવળા. મારાં લગનની વાત નથી. છોકરાનાં લગનની વાત છે.’’
‘‘તંઈ એમ કો ને !! પણ, લગનની ચિંતા કેમ છે? લોકોનાં લગન થાતાં નથી એટલે ચિંતા કરે છે.અને તમારે લગન હામેથી આવે છે, તો કરી નાંખો !! કાં છોકરીવાળાને શિયાળા સુધી ખમાડી દો.’’
‘‘એ જ તો મોં કાણ છે ને!! છોકરીવાળા ઉતાવળ કરે છે. માનતાં જ નથી. હાં નહીંતર નાં. લગન તો અમારાં રિવાજ પ્રમાણે ઉનાળામાં જ થાહે.’’
‘‘એટલે તમે વેવાઈ ગુજરાતને છેવાડે ગોત્યા છે?’’
‘‘હા..આ..!! આપણો કાંઈ મેળ પડવો જોઈએ ને !! છેવટે ઈ તો ઈ ઘર તો બંધાય જાહે. અને આપણી એક ઉપાધી ઓછી. આગે આગે ગોરખ જાગે.’’
‘‘તો પછી, વાંધો શું છે? ઘરવાળી નથી માનતી?’’
‘‘ઈ બચાડી હું બોલે!!? તમે કરો ઈ કબુલ.’’
‘‘તો પછી, પૈસાની તકલીફ છે? કે ભાઈ આડો હાલે છે?’’
‘‘ના..આ..!! પૈસા તો આ ઘડીએ બોસ પાંહેથી વ્યાજે લઈ લઈએ. પછી મોસમે આપી દેવાહેં. ખાડો હશે તો પુરવા ‘ય થાહે.’’
‘‘તો પછી, વાંધો શું છે? કરો કંકુના!! જાન જોડીને ઉપડો વર પૈણાવવા. તડકો તો તડકો.’’
‘‘વાંધો ઈ ય નથી. અમે તો તડકામાં તો શું કાળી રાતે’ય પૈણાવવા તૈયાર છીએ.’’
‘‘તો પછી ખરો વાંધો હું છે!?? છોકરો ના પાડે છે?’’
‘‘ના..આ..ભાઈ! છોકરો તો કહ્યાગરો છે.’’
‘‘તો છોકરી ના પાડે છે?’’
‘‘છોકરીને’ય વાંધો નથી.’’
‘‘તો પછી, બેરાલાલ! આ તમે નવું લાયા. કોઈને કાંઈ વાંધો નથી તો પછી, વાંધો ક્યાં છે? ’’
‘‘વાંધો કંકોત્રીનો છે.’’
‘‘લો કરો લો બાત!! કંકોત્રીનો વાંધો હોય તો, કંકોત્રી નો છપાવાય.’’
‘‘કંકોત્રી છપાઈ ગઈ છે, ઈ તો મોટો વાંધો છે.’’
‘‘બેરાલાલ હવે આ વાંધામાં શું વાંધો છે? કંકોત્રી છપાઈ ગઈ, ઈ તો હારી વાત કહેવાય ! કંકોત્રી છપાઈ જાય એટલે નાનાં મોટાં વિઘન નો આવે. અને આવે તો એને ગણકારાય નહીં. તમ તમારે ઢોલની બહબહાટી બોલાવો!!’’
‘‘ઈ જ તો મોટો વાંધો ઉભો થયો ને!! બહબહાટી બોલાવવાની ના આવી છે.’’
‘‘અરે બેરાલાલ ! આ ક્યાં કોરોના પિરિયડ છે. કોરોનામા ‘ય લોકોએ લગનમાં બહબહાટી બોલાવી જ થી !! આ તો હારો સમય છે.’’
‘‘સમય હારો છે. પણ, માણસ તો ઈ જ છે ને !!?’’
‘‘હું કાંઈ હમજયો નહીં!! તમે કે ‘વા હું માંગો છો?’’
‘‘આપણાં મોદી સાહેબ!! એમણે હમણાં વધારાનાં ખરસા કરવાની ના પાડી છે.’’
‘‘તો તમે ખોટાં ખર્ચા નો કરો. લગન તો હાદાઈથી થાય ને!!?’’
‘‘તમે બનેવીલાલ હજીય નો હમજયા. મોદી સરકારે એક વરસ સુધી સોનું ખરીદવાની ના પાડી છે.’’
‘‘તો..ઓ..! તમારે સોનું નો ખરીદવું, એમાં ક્યાં મોટી વાત કે વાંધો છે!??’’
‘‘ઈ જ તો મોટો વાંધો છે?’’
‘‘હજીય મને હમજણનો ટપ્પો નો પડયો હોં.’’
‘‘બનેવીલાલ! મોદી સાહેબે સોનું ખરીદવાની ના પાડી છે ને !?’’
‘‘તો તમારે ક્યાં સોનું ખરીદવું છે?’’
‘‘સોનું હારે તો લગન છે. અને મોદી સાહેબે સોનું ખરીદવાની નાં પાડી છે.’’
‘‘હા,પણ.. તમારે ક્યાં સોનુંને ખરીદવી છે !? સોનું હારે લગન જ કરવાં છે ને!!??’’ ‘‘ ઈ તો મોટી મોં ‘કાણ છે. ખરો વાંધો તો ન્યા જ છે. આપણે તો હંધાય કરે એમ, સોનું ને દલાલ દ્વારા ખરીદી છે . અને અનુભવી મોદી સાહેબે એક વરસ સુધી સોનું ખરીદવાની ના પાડી છે. હવે હું કરવું ઈ જ હમજાતું નથી. ’’ kalubhaibhad123@gmail.com











































