અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટરે ૧ જૂનથી તમામ તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ શરૂ કરવા અને આપત્તિ વ્યવસ્થાપન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવાની સૂચના આપી હતી. બેઠકમાં પૂર, વાવાઝોડું, રાહત-બચાવ કાર્ય, વીજ પુરવઠો અને માર્ગો પૂર્વવત કરવા તેમજ નુકસાનીના ઝડપી સર્વે અને વળતર ચૂકવણી અંગે ચર્ચા થઈ હતી. સ્થાનિક સ્તરે તરવૈયા, વાહનો, આશ્રય સ્થાનો અને ભોજનની વ્યવસ્થા અગાઉથી સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. આ ઉપરાંત કોઝ-વે પર સાઇન બોર્ડ લગાવવા, ડેમની સુરક્ષા, ક્લોરિનેશન, માછીમારોની તકેદારી અને જર્જરિત ઇમારતોના સર્વે અંગે ખાસ સૂચના અપાઈ હતી. કલેક્ટરે દરિયાકાંઠાના જાફરાબાદ અને શિયાળબેટ ટાપુ પર સગર્ભા મહિલાઓની આરોગ્ય સુવિધા પર ભાર મૂક્યો હતો.







































