અરવલ્લી જિલ્લામાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ભિલોડા તાલુકાના એક ગામમાં બહેનના પ્રેમી દ્વારા ભાઈની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

બહેન સાથે પ્રેમસંબંધ રાખવા બાબતે મૃતક અતુલે આરોપી ધીરજને ઠપકો આપેલો કે મારી બહેનના લગ્ન થઈ ગયા છતા, તું તેની સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે. તેવો ઠપકો આપતાં આરોપીએ ઉશ્કેરાયને અદાવત રાખી અતુલ ઉપર તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલો કરતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામમાં રહેતાં મુકેશભાઈ ચુનાભાઈ બામણીયાના ૨૦ વર્ષનો દીકરો અતુલ જે છેલ્લા એક વર્ષથી ભિલોડા ખાતે આવેલી ક્રિષ્ના લેબોરેટરીમાં નોકરી કરતો હતો. તેની બહેનના ચાર વર્ષ અગાઉ ઇડર તાલુકાના એક ગામમાં લગ્ન થયા હતાં પરંતુ ગામનો જ યુવક ધીરજકુમાર રમેશભાઈ પરમાર દ્વારા અતુલની બહેનને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ગયેલો અને ભગાડી ગયાના બીજા દિવસે ઇડર પોલીસ સ્ટેશનમાં ધીરજ અને તેની પ્રમિકા હાજર થયાં હતાં. પોલીસ દ્વારા પરિવાર લોકોને જાણ કરતાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને તેમની ૩ વર્ષની દીકરી હોવાના કારણે બંનેને છૂટા પાડવામાં આવ્યા હતાં.

આ મામલાના ૧૫ દિવસ જેવો સમય જતા પ્રેમી ધીરજના મનમાં રહેલા ઠપકાને લઈને ગામમાં મોડી રાત્રે છાશ લેવા ગયેલા અતુલની એકલતાનો લાભ લઈને આરોપી ધીરજ અને તેના ભાઈ મેહુલ અને પિતા રમેશભાઈ દ્વારા તેને ઉભો રાખીને રોડ પર ખેંચીને પોતાના જ ઘરમાં લઈ જઈને તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અતુલ લોહી લુહાણ થતા બેભાન થઈ ગયો હતો. આ અંગેની જાણ પરિવારના લોકોને થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ,પરંતુ ફરજ પરના તબીબે હિંમતનગર સારવાર માટે રિફર કરવાનું કહેવામાં આવ્યું. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ભિલોડા પોલીસ સ્ટેશન પીઆઇ એમ આર સંગાડાએ જણાવ્યું હતું કે  “ભિલોડા પોલીસ સ્ટેશનનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે. ફરીયાદીનો દિકરો ગામની અંદર રાતે છાશ લેવા ગયો હતો.ત્યારે તેમના જ ગામના રહેવાસી ધીરજ રમેશભાઈ પરમાર, મેહુલ રમેશભાઈ પરમાર અને રમેશભાઈ દ્વારા માર માર્યો હતો. ફરીયાદી દ્વારા છોડાવતા તેમની પર પણ હુમલો કર્યો હતો.અગાઉના બનાવ મુજબ ઘીરજકુમાર જે ફરીયાદીના દિકરાની દિકરીને લઈને એક મહિના અગાઉ ભાગી ગયા હતા, ત્યારબાદ પોલીસ સ્ટેશને હાજર થયા હતા અને છુટા પડ્યા હતા, તેની અદાવત રાખીને હુમલો કર્યો હોય તેમ જણાઈ આવે છે. આરોપીને હસ્તગત કરેલ છે અને ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.