મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે હાથ ધરવામાં આવેલી ડિમોલેશનની કામગીરી દરમિયાન આજે ભારે હોબાળો અને હંગામો જોવા મળ્યો હતો. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મનપાની ટીમ જ્યારે ડિમોલેશન કરવા પહોંચી ત્યારે વર્ષોથી ત્યાં વસવાટ કરતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને એક વૃદ્ધ મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ પણ થઈ હતી, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.

જામનગર મનપાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જડેશ્વર પાર્કમાં ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા ત્રણ રહેણાંક મકાનો અને ત્રણ દુકાનોનું ડિમોલેશન કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. અચાનક આવેલી આ આફતને કારણે સ્થાનિકો પોતાના ઘરોમાંથી સરસામાન બહાર કાઢવા માટે મજબૂર બન્યા હતા.

ભારે હૈયે વાતચીત કરતા પીડિત વૃદ્ધા નંદુબેને જણાવ્યું હતું કે, “મારું નામ નંદુબેન છે. આ લોકો કાલના આવીને અમને ધમકી આપે છે કે મકાન ખાલી કરો. અચાનક આટલા વર્ષોનું ઘર કેવી રીતે ખાલી થાય? નવ વર્ષ પહેલાં મારો દીકરો ગુજરી ગયો છે, તેની પાછળ બે નાના-નાના દીકરા અને વહુ છે. અમે ગઢા (વૃદ્ધ) બે માણા આ ઉંમરે ક્યાં જઈએ? અમારો બીજા કોઈ આધાર જ નથી.”

તેમણે વધુમાં આક્રોશ સાથે જણાવ્યું કે, “આ પ્લોટ અમે આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી વેચાતો લીધો હતો. ત્યારે તો અહીં રોડ-રસ્તા જેવું કંઈ નહોતું, માત્ર પડતર જમીન હતી. ઢોરની જાળવણી અને મજૂરી કરીને આ ઘર બનાવ્યું છે અને અમારા દીકરા-પૌત્રોને મોટા કર્યા છે. તંત્રએ અમને અગાઉ કોઈ જાણ જ નહોતી કરી અને અચાનક આવીને કાલથી ધમકાવવા લાગ્યા.”

આ ડિમોલેશનમાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે છેલ્લા ૪૦ વર્ષથી ત્યાં જ રહેતા એક વૃદ્ધ દંપતીનો આસરો છીનવાઈ ગયો. પોતાના આજીવનના આશરાને તૂટતો જાઈને વૃદ્ધ દંપતી લાચાર બની ગયું હતું અને વિરોધ સ્વરૂપે ડિમોલેશન કરવા આવેલા જેસીબી મશીનની સામે જઈને બેસી ગયું હતું. પોલીસે જ્યારે વૃદ્ધ મહિલાને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને મહિલા વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી અને પોલીસે આખરે મહિલાની અટકાયત કરવામાં આવી હતી.