રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના વહેણમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાની લેખિત ફરિયાદ તાલુકા મામલતદારને કરવામાં આવી છે. આ દબાણને કારણે આગામી ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની અને જન-માલને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ગામના રહેવાસી બાબુભાઈ ચાવડીયા અને અન્ય ખેડૂતોએ રાજકોટસ્થિત જિલ્લા કાર્યપાલક ઈજનેરની કચેરીએ ન્યાયની માંગ સાથે અરજી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ભાદર નદીના કાંઠે આવેલા કેટલાક સર્વે નંબરના ખાતેદારો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. અરજદારોનો આક્ષેપ છે કે, સર્વે નં. ૨૭ પૈકી ૧ ની સરકારી ખરાબાની જમીનમાં માટી અને પથ્થર નાખીને નદીના કુદરતી વહેણને અવરોધવામાં આવ્યું છે. આ દબાણ સર્વે નં. ૨૩ પૈકી ૩ ના ખાતેદાર જગદીશભાઈ મનસુખભાઈ મારવણીયા તથા સર્વે નં. ૨૭ પૈકી ૪ ના ખાતેદાર રમેશભાઈ કાનજીભાઈ ભાલોડીયા વગેરે દ્વારા કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. વહેણમાં અવરોધ ઉભો થવાથી પાણીનો નિકાલ બંધ થયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ‘સ્થળ તપાસ’ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.