નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામના યુવાન સાથે થાર કાર વેચવાના બહાને રૂ.૪.૦૭ લાખની છેતરપિંડી કરવામાં આવી. ગામના પ્રણવસિંહ જયેશસિંહ પરમારનો આશરે છ મહિના પહેલા ફેસબુક મારફતે ભૌતિક ગોસ્વામી નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. આરોપીએ થાર ગાડીના ફોટા મોકલી ગાડી લોન પર હોવા છતાં હપ્તા નિયમિત ભરાતા હોવાનું કહી રૂ.૫.૫૦ લાખમાં વેચવાની ઓફર કરી હતી.ગાડી પસંદ આવતા પ્રણવસિંહે સોદો નક્કી કર્યો હતો. આરોપી ભૌતિકે સેફખાન નામના વ્યક્તિ મારફતે ગાડી પહોંચાડી હતી. ત્યારબાદ ફરિયાદીએ રૂ.૩ લાખ રોકડા, રૂ.૯૫ હજાર ગૂગલ પે દ્વારા અને કાગળો તથા બીજી ચાવી મોકલવાના બહાને ડીઝલ ખર્ચ તરીકે વધુ રૂ.૫ હજાર ચૂકવ્યા હતા. આમ કુલ રૂ.૪.૦૭ લાખ આરોપીઓએ મેળવી લીધા હતા. ગાડી મિત્રના ઘરે પાર્ક કર્યા બાદ રાત્રે અચાનક ગાયબ થઈ ગઈ હતી. ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતાં તેણે જીપીએસ મારફતે ગાડી ગોધરા પહોંચી હોવાનું કહી ચિંતા ન કરવાની સલાહ આપી હતી. આરોપીઓએ ત્યારબાદ બીજી થાર અથવા ફોર્ચ્યુનર ગાડી આપવાના નામે ફરી લાખો રૂપિયાની માંગણી કરી હતી. આથી ફરિયાદીને શંકા જવા લાગી હતી.
૨૨ જુલાઈના રોજ બે શખ્સો બીજી થાર ગાડી લઈને આવ્યા અને પોતે ગાડીના માલિક હોવાનું કહી રૂ.૨.૭૦ લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ ઓળખપત્ર માંગતા બંને ગભરાઈ ગયા. પૂછપરછ દરમિયાન એક આરોપીએ પોતાનું સાચું નામ નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન જાહેદ ચૌહાણ હોવાનું સ્વીકારી લેતાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.ફરિયાદના આધારે પોલીસે ભૌતિક ગોસ્વામી, નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન જાહેદ ચૌહાણ (વડોદરા), સેફખાન અને સરમન શૈલેશ રજવાડી (વડોદરા) સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધ્યો છે.પોલીસે નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન ચૌહાણ અને સરમન રજવાડીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે.પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ રાજ્યમાં અન્ય કેટલા લોકોને આવી જ રીતે શિકાર બનાવ્યા છે. ઉપરાંત, ગાડીઓ કેવી રીતે મેળવી વેચાણનો ખેલ રમાતો હતો અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન માધ્યમથી વાહન ખરીદતા પહેલાં માલિકીની ચકાસણી, દસ્તાવેજાની ખરાઈ અને ઓળખની પુષ્ટિ કર્યા વગર કોઈપણ પ્રકારની ચુકવણી ન કરે. જા કોઈ આવી છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવે, જેથી ટોળકીના અન્ય સભ્યો સુધી પણ પોલીસ પહોંચી શકે.








































