ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરી છે. ખાસ કરીને બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાના બાવળા અને સાણંદ વિસ્તારમાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરીને વરસાદ બાદની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. ચર્ચા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને વહેલી તકે રાહત મળે અને પાણીના નિકાલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ચર્ચા બાદ બાવળા અને સાણંદમાં સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. આ કામગીરી માટે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને મહેસુલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. બંને મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવા અને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રાહત કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.વહીવટી તંત્રને પણ તાત્કાલિક એક્શનમાં મૂકવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ થૈનારેસન તેમજ અમદાવાદના કમિશનર બંછાનીધી પાનીને સ્થળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રવાના કરવામાં આવ્યા છે. બંને વરિષ્ઠ અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ પાણી ભરાવાના કારણોનું મૂલ્યાંકન કરશે અને કાયમી ઉકેલ માટે જરૂરી આયોજન કરશે.
રાજ્ય સરકાર દ્વારા બાવળા અને સાણંદમાં પાણીના ઝડપી નિકાલ માટે આધુનિક મશીનરી પણ તાત્કાલિક તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં પમ્પિંગ સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરીને લોકોને શક્ય તેટલી વહેલી તકે રાહત મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્ર, મંત્રીઓ અને અધિકારીઓ સતત સ્થળ પર રહી સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપશે.ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પાણી ભરાવાના કારણે રસ્તાઓ પર અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાઈ છે અને સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સથીતિમાં રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ મળી શકે અને સ્થિતિ સામાન્ય બને.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી સાથે કરાયેલી આ ટેલિફોનિક ચર્ચા બાદ રાજ્ય સરકાર વધુ સક્રિય બની છે. બાવળા અને સાણંદમાં પાણીના નિકાલની કામગીરી માટે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વહીવટી તંત્રને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આધુનિક મશીનરીની મદદથી પાણી ઝડપથી કાઢી સામાન્ય જનજીવન પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં પણ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે.