શહેરમાં વરસાદે હવે વિરામ લીધો છે, પરંતુ તેના કારણે થયેલી તારાજીના દ્રશ્યો હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં જાવા મળી રહ્યા છે. શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ભારે વરસાદ દરમિયાન અંદાજે આઠ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં ડઝનેક દુકાનોમાં લાખો રૂપિયાનો માલ બરબાદ થયો છે. ત્રણ દિવસ બાદ પણ વેપારીઓ દુકાનોમાંથી કાદવ અને બગડેલો માલ બહાર કાઢવાની કામગીરીમાં વ્યસ્ત જાવા મળી રહ્યા છે.ભારે વરસાદના કારણે રેડીમેડ કપડાં, સ્ટેશનરી, કરિયાણા, ફૂડ આઉટલેટ સહિત વિવિધ પ્રકારની દુકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પાણી ઉતરી ગયા બાદ દુકાનોમાં કાદવ, દુર્ગંધ અને બગડેલા માલના ઢગલા જાવા મળી રહ્યા છે. વેપારીઓ માટે હવે નુકસાનમાંથી બહાર આવવાનો સૌથી મોટો પડકાર ઉભો થયો છે.
વેપારી, કૌશલભાઈએ જણાવ્યું કે, “થોડા કલાકોના વરસાદે વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. દુકાનમાં રહેલો મોટાભાગનો માલ પાણીમાં બગડી ગયો હોવાથી લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.”
વેપારી, રક્ષિત શાહએ જણાવ્યું કે, “વરસાદનું પાણી એટલી ઝડપથી ભરાયું કે માલ બચાવવાનો પણ સમય મળ્યો નહીં. હાલ દુકાનને ફરી શરૂ કરવા માટે સફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ આર્થિક નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે.”વેપારી, પ્રકાશ ગોહિલે પણ જણાવ્યું કે, “કુદરત સામે અમે સંપૂર્ણપણે લાચાર બની ગયા. ભારે વરસાદના કારણે દુકાનોમાં ભરાયેલા પાણીથી વ્યવસાયને મોટો ફટકો પડ્યો છે. સરકાર તરફથી નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.”અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. હવે વરસાદ થંભી ગયો હોવા છતાં તેની અસર સ્પષ્ટપણે જાવા મળી રહી છે. ગુરુકુળનું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ વરસાદ બાદ સર્જાયેલી તારાજીનું જીવંત ઉદાહરણ બની ગયું છે. સામે આવેલા દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે વરસાદનું પાણી ભલે ઉતરી ગયું હોય, પરંતુ વેપારીઓ માટે આ આર્થિક નુકસાનમાંથી બહાર આવવાનો સંઘર્ષ હજુ લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે.ત્યારે હાલ તો વેપારીઓ સરકાર સમક્ષ વળતરની માગ કરી રહ્યા છે.