સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાસ કરીને લખતર તાલુકાના બાબજીપુરા અને પાટડી તાલુકાના માલવણ ગામમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.લખતર તાલુકાના બાબજીપુરા ગામમાં ભારે વરસાદ બાદ અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. અનેક ઘરોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાતા લોકો માટે પોતાના ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ઘરનો સામાન બચાવવા લોકો તેને ઊંચા સ્થળે ગોઠવી રહ્યા છે, જ્યારે કેટલાક પરિવારો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.પાટડી તાલુકાના માલવણ ગામમાં પણ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોની દૈનિક જીવનશૈલી ખોરવાઈ ગઈ છે. ઘરવખરી, અનાજ અને જરૂરી સામાનને બચાવવા માટે લોકોને ખાટલાઓ પર ગોઠવવું પડ્યું છે. કેટલીક મહિલાઓને તો ખાટલા પર જ રસોઈ બનાવવાની ફરજ પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
અસરગ્રસ્ત પરિવારો, ખાસ કરીને મહિલાઓએ જિલ્લા તંત્ર સમક્ષ તાત્કાલિક રાહત પહોંચાડવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે ઘરમાં પાણી ભરાયેલા હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ડી-વોટરિંગ પંપ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને પાણીજન્ય રોગચાળો ફેલાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ આરોગ્ય વિભાગને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનો છંટકાવ, ક્લોરીનની ગોળીઓનું વિતરણ અને તબીબી તપાસની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.