ગોંડલ તાલુકાના જામવાડી ગામમાં બાળકોના સર્વાંગી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ મજબૂત કરવાના હેતુથી નિર્માણ પામેલી બે નવી આંગણવાડીઓનું લોકાર્પણ ધારાસભ્યના
પ્રતિનિધિ તથા યુવા અગ્રણી ગણેશભાઈના હસ્તે સંપન્ન થયું હતું. ખાડિયા અને જીઆઈડીસી વિસ્તારમાં બનેલી આ બંને આંગણવાડીઓ બાળકોના કંકુપગલાં સાથે વિધિવત ખુલ્લી મુકાતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે ગણેશભાઈએ જણાવ્યું કે બાળકોને ઉત્તમ શિક્ષણ, પોષણ અને સંસ્કાર આપવા સુવિધાસભર આંગણવાડીઓ જરૂરી છે. સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રે માતાઓ અને બાળકો માટે સતત વિકાસલક્ષી કામગીરી થઈ રહી છે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, સરપંચ વિનુભાઈ મોણપરા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.










































