અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બહેરામપુરાના સંતોષનગર વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હુસેન સૈયદ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ જૂની અંગત અદાવતને કારણે થયેલી બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ દાણીલીમડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા સોહેલ પઠાણને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝોન-૬ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે આરોપી પોતાના સંબંધીના ઘરે જમવા આવ્યો હતો. ત્યારબાદ તે બહાર નીકળ્યો ત્યારે મૃતક સાથે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી. વિવાદ ઉગ્ર બનતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુસેન સૈયદનું મોત નીપજ્યું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક રીતે અંગત અદાવત હત્યાનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જાકે પોલીસે વધુ તપાસ બાદ જ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે







































