ભાવનગર જિલ્લાના ટીંબી મુકામે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ખાતે ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત થઈને એક મોટું અનુદાન મળ્યું છે. ભાવનગરના વતની જીતેન્દ્રભાઈ લાલજીભાઈ ઠેસીયા અને તેમના ભાગીદાર નટવરલાલ શામજીભાઈ ત્રાંગડિયા દ્વારા દર્દીઓની સારવાર અર્થે રૂ. ૫૧ લાખનું માતબર દાન આપવાની ઉમદા જાહેરાત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ તકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ પરેશભાઈ કે. ડોડિયા, રસીકભાઈ ભીંગરાડિયા, લવજીભાઈ કે. નાકરાણી અને બુધાભાઈ ગલાણી દ્વારા દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન વિધિ દરમિયાન તેઓને સદ્ગુરુદેવ લિખીત પુસ્તક ‘જીજ્ઞાસુ પિયુષ’, શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરાયા હતા. હોસ્પિટલના ટ્રસ્ટીમંડળ દ્વારા આ ઉદાર દાન બદલ દાતા પરિવારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.




































