અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા રાજ્યની પ્રથમ પ્રાકૃતિક કૃષિ શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો શુભારંભ પ્રાકૃતિક યજ્ઞ અને ગૌપૂજન સાથે કરવામાં આવ્યો હતો. પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાએ આ પ્રસંગે જાહેરાત કરી હતી કે રાજ્યના ૨૫૦થી વધુ તાલુકાઓમાં આવી પ્રાકૃતિક કૃષિ શાળાઓ શરૂ કરવામાં આવશે, જેથી વધુમાં વધુ ખેડૂતો સુધી
પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચાડી શકાય.કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત કૃષિ, જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો, ખેતી ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતરોનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું.પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી ભરતભાઈ પંડ્‌યાએ પ્રાકૃતિક કૃષિને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા ગણાવી હતી. હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના વિઝનને ગામડાં સુધી પહોંચાડવા રાજ્યભરમાં તાલીમ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમમાં ડા. વી.પી. રામાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.