ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન તેના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. અફઘાનિસ્તાન સામેની બીજી ટી ૨૦ માં ઓપનર તરીકે રમતા, તેણે માત્ર ૨૦ બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. સેમસને ૨૨ બોલમાં ૫૭ રન બનાવ્યા, જેમાં ૭ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા. ૨૦૨૬ ના ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યા પછી અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા પછી, સેમસન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, તેની પાછલી પાંચ ઇનિંગ્સમાં ૩૦ રન પણ બનાવી શક્્યો ન હતો. જોકે, આ વિસ્ફોટક ઇનિંગ્સ સાથે, તેણે મજબૂત વાપસીનો સંકેત આપ્યો છે. બીજી ટી ૨૦ માં તેની અડધી સદીએ રોહિત શર્માના વિશિષ્ટ ક્લબમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
સંજુ સેમસનએ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે ઓપનર તરીકે એક અનોખો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેણે ઓપનર તરીકે ૧,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે, આ સંદર્ભમાં ભારતના ટોચના ૫ બેટ્સમેનોમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા ઓપનર તરીકે ૩,૭૫૦ રન સાથે યાદીમાં ટોચ પર છે. તેના પછી કેએલ રાહુલ (૧,૮૨૬ રન), શિખર ધવન (૧,૭૫૯ રન) અને અભિષેક શર્મા (૧,૭૨૬ રન) આવે છે. હવે, ૧૦૨૬ રન સાથે, સંજુ સેમસન દિગ્ગજ ભારતીય ઓપનરોના ચુનંદા ક્લબમાં જાડાયા છે.
ટી ૨૦ માં ભારત માટે ઓપનર તરીકે ૧૦૦૦+ રન
૩૭૫૦ – રોહિત શર્મા
૧૮૨૬ – કેએલ રાહુલ
૧૭૫૯ – શિખર ધવન
૧૭૨૬ – અભિષેક શર્મા
૧૦૨૬ – સંજુ સેમસન
ભારતે બીજી ટી ૨૦ પણ એકતરફી રીતે જીતી.
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનઃ પ્રથમ બેટિંગ કરતા, અફઘાનિસ્તાને ૮ વિકેટ ગુમાવીને ૧૫૯ રન બનાવ્યા. જવાબમાં, ભારતે માત્ર ૧૪.૫ ઓવરમાં ૧૬૦ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, ૭ વિકેટથી શાનદાર વિજય નોંધાવ્યો અને શ્રેણીમાં અજેય લીડ મેળવી. સંજુ સેમસન અને અભિષેક શર્મા (૧૯ બોલમાં ૩૮ રન) એ ટીમને ૮૮ રનની મજબૂત શરૂઆત આપી, પરંતુ રાશિદ ખાને સાતમી ઓવરમાં બંને ઓપનરોને આઉટ કર્યા. ત્યારબાદ ઈશાન કિશને અણનમ ૩૮ (૨૩ બોલ) અને તિલક વર્માએ અણનમ ૧૫ (૧૪ બોલ) રન બનાવીને ટીમને વિજય અપાવ્યો, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર ૧૧ રન બનાવીને આઉટ થયો. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને ત્રણેય વિકેટ લીધી.















































